યૂએન મહામંત્રી ગુટેરેસ ત્રણ-દિવસ ભારતની મુલાકાતે

જિનેવા/નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાના મહામંત્રી એન્ટોનિઓ ગુટેરેસ આવતીકાલથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવશે. યૂએન વડા તરીકે ગુટેરેસની આ બીજી મુદત છે. પહેલી મુલાકાત વખતે 2018ના ઓક્ટોબરમાં તેઓ ભારત આવ્યા હતા. તેઓ મુંબઈમાં તાજ મહલ પેલેસ હોટેલ ખાતે 26/11ના ટેરર હુમલાઓમાં ભોગ બનેલા લોકોને પુષ્પાંજલિ અર્પણ કરશે. આઈઆઈટી, મુંબઈ ખાતેના એક કાર્યક્રમમાં તેઓ જાહેર સંબોધન કરશે.

20 ઓગસ્ટે ગુટેરેસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુજરાતના કેવડિયામાં મિશન LiFE (લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ0 કાર્યક્રમમાં હાજરી આપશે. કેવડિયામાં તેઓ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સ્મારકની મુલાકાતે જઈ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. એ પછી તેઓ ભારતના પ્રથમ સૌર્યઊર્જા સંચાલિત ગામ બનેલા મોઢેરાની મુલાકાતે પણ જશે.