વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી આડે હવે માત્ર બે અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી રહી ગયો છે અને કેટલાક રાજ્યોમાં તો મતદાનની પ્રક્રિયા શરૂ પણ થઈ ચૂકી છે ત્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હિન્દુ સમર્થકો અને એમના હરીફ ડેમોક્રેટિક પાર્ટીના જૉ બાઈડનના હિન્દુ સમર્થકોમાં મોટું રાજકીય વિભાજન થઈ ગયું છે.
અમેરિકામાં હિન્દુઓનું રાજકીય મહત્ત્વ ઘણું વધી ગયું છે. રિપબ્લિકન પાર્ટીના ટ્રમ્પ અને બાઈડનના પ્રચારકાર્યોમાં દેશમાં વસતા હિન્દુ મતદારોને રિઝવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. બંને નેતાએ એમનો ચૂંટણી પ્રચાર ગયા ઓગસ્ટ મહિનાથી શરૂ કરી દીધો છે.
અમેરિકામાં આશરે 20 લાખ જેટલા હિન્દુ લોકો વસતા હોવાનો અંદાજ છે.
ગયા રવિવારે ટ્રમ્પ અને બાઈડનના અમેરિકન-હિન્દુ સમર્થકો વચ્ચે એક વર્ચ્યુઅલ જાહેર ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના પરથી માલૂમ પડ્યું હતું કે અમેરિકામાં હિન્દુ સમાજ આ બંને નેતાઓમાં વિભાજિત થઈ ગયો છે.
‘2020 પ્રમુખપદની ચૂંટણી: અમેરિકાના હિન્દુ પ્રશ્નો અંગેની ડીબેટ’ વિષય તે વેબિનારમાં એક જૂથે એવો આક્ષેપ કર્યો હતો કે બાઈડન તો મુસ્લિમો પાછળ ઘેલા છે, તો બીજા જૂથે એવો આક્ષેપ કર્યો હતો કે ટ્રમ્પ તો જાતિવાદી છે.