ચીનમાં સ્કૂલ જિમની છત પડવાથી 11 લોકોનાં મોત

બીજિંગઃ ચીનના પૂર્વોત્તર શહેર કિકિહારમાં ભારે વરસાદને કારણે એક મિડલ સ્કૂલના જિમની છત પડવાથી કમસે કમ 11 લોકોનાં મોત થયાં છે, એમ રાજ્યની એજન્સી ઝિન્હુઆએ જણાવ્યું હતું. આ ઘટના એ સમયે 19 લોકો જિમમાં હતા. ચાર લોકો ભાગવામાં સફળ રહ્યા હતા, જ્યારે કાટમાળમાં 15 જણ ફસાઈ ગયા હતા. બચાવ અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચ્યા પછી બધા 15 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ચાર લોકોને બચાવવામાં આવ્યા હતા.

આ જિમની છત સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ હતી અને આયોજન સ્થળથી આશરે 1200 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું હતું. પ્રારંભિક તપાસમાં માલૂમ પડ્યું હતું કે બાંધકામ કર્મચારીઓએ જિમની છત પર ગેરકાયદે રીતે પર્લાઇટ (બાંધકામ કાર્યમાં વપરાતી સામગ્રી) રાખ્યું હતું અને વરસાદનું પાણી વહી જવાને કારણે એનું વજન વધી ગયું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે. એજન્સીએ જણાવ્યું હતું કે બાંધકામ કંપનીના પ્રભારીને પોલીસ હિરાસતમાં લેવામાં આવ્યો છે. એ દરમ્યાન પૂર્વ ચીનમાં વરસાદ અને ભૂસ્ખલનને લીધે કમસે કમ પાંચ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ત્રણ લોકો લાપતા છે. એ દરમ્યાન 1500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે.

ચીનમાં સતત બનતી ઘટનાઓ

ગયા મહિને યિનચુઆન શહેરના એક બારબેક્યુ રેસ્ટોરાંમાં ગેસ વિસ્ફોટમાં કમસે કમ 31 લોકોનાં મોત થયાં હતા, જ્યારે સાત ગંભીર રૂપે ઘાયલ થયા હતા. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું.