રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં અવાર-નવાર સમાજને વિજ્ઞાન સાથે જોડવાના હેતુથી વિજ્ઞાનના પ્રચાર અને પ્રસારના કાર્યક્રમો યોજાતા રહે છે, ત્યારે આજે સાયન્સ સિટીમાં “International Day Of Women And Girls In Science Day” ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ દિવસની ઉજવણી અર્થે સાયન્સ સિટીના મહિલા વૈજ્ઞાનિકો દ્વારા ખાસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં આશરે 200 જેટલી વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત સહભાગીઓને જુદા જુદા ક્ષેત્રમાં ખ્યાતનામ મહિલાઓ અંગે વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી તેમજ તેઓની કારકિર્દિ અંગેના સંધર્ષ તથા સિદ્ધિઓ વિશે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત બાળકોને મનોરંજન અર્થે સાયન્સ આધારીત ક્વિઝ રમાડી તેઓને પ્રોત્સાહન રૂપે ઈનામ પણ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત સાયન્સ સિટી ખાતે કાર્યરત મહિલા વૈજ્ઞાનિકો મેઘા પંડ્યા, યાજ્ઞિકા પટેલ, હર્ષિદા પટેલ, મેઘના મનવર, ડો.શબનમ સૈયદ તથા નેન્સિ જૈન સહિત તમામને સાયન્સ સિટીના જનરલ મેનેજર ડો.વ્રજેશ પરીખ અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર ડો. હાર્દિક ગોહિલ દ્વારા મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા.