મુંબઈ: ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે. ઇન્ફોર્મા કનેક્ટ એકેડેમીના અહેવાલ મુજબ, ગૌતમ અદાણી 2028 સુધીમાં ટ્રિલિયોનેર બનનાર વિશ્વના બીજા વ્યક્તિ હશે. અદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન 122.86%ના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દરે 84 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ટ્રિલિયોનેર થનાર પ્રથમ ભારતીય હશે.‘બિલિયોનેર ટુ ટ્રિલિયોનેર’ યાદીમાં એલોન મસ્ક $1195 બિલિયનની નેટવર્થ સાથે ટોચ પર છે. મસ્ક, ટેસ્લા, એસ્ટ્રોનોટિક્સ કંપની સ્પેસએક્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xની કમાન સંભાળે છે. આ અહેવાલ મુજબ મુકેશ અંબાણીની 2033 સુધીમાં ટ્રિલિયોનેર બનવાની સંભાવના છે. અંબાણી 28.25%ના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર સાથે નવ વર્ષમાં ટ્રિલિયોનેરની યાદીમાં સ્થાન મેળવશે.
તાજેતરમાં હુરુન ઈન્ડિયાએ બહાર પાડેલી ભારતીય ધનકુબેરોની યાદીમાં પહેલીવાર ભારતના 300થી વધુ અબજપતિઓને સામેલ કરાયા છે. આ યાદીમાં ટોપ પર રહેલા ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પાછળ છોડ્યા હતા. 11.6 લાખ કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ સાથે તેઓ ભારતીય ધનકુબેરોની યાદીમાં સર્વોચ્ચ સ્થાને છે. હિન્ડેનબર્ગ રિપોર્ટથી થયેલા નુકસાનને ભરપાઈ કરતાં ગૌતમ અદાણીની નેટવર્થ ગત વર્ષે 95 ટકા વધી હતી.અદાણી જૂથ બિઝનેસનો વ્યાપ વધારવાની દિશામાં સતત કાર્યરત છે. હાલમાં જ અદાણી ગ્લોબલે વિદેશોમાં બિઝનેસનો વ્યાપ વધારવા નવા ઉપક્રમો સ્થાપિત કર્યા છે. અદાણી જૂથે શાંઘાઈમાં અદાણી એનર્જી રિસોર્સિસ (શાંઘાઈ) નામની સબસિડિયરી કંપનીની રચના કરી છે. તે સપ્લાય ચેઈન બિઝનેસ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ સેવાઓ અંગે કામ કરશે. અદાણી ગ્લોબલ એ અદાણી એન્ટરપ્રાઈઝીસની 100% માલિકીની પેટાકંપની છે.અદાણી પાવરે અબુ ધાબીમાં સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી પાવર મિડલ-ઇસ્ટ લિમિટેડનો સમાવેશ કર્યો છે. નવી પેટાકંપનીનો ઉદ્દેશ્ય પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ વધારવાનો રહેશે. નોંધનીય છે કે અદાણી ગ્રૂપ માર્ચ-2023થી GQG પાર્ટનર્સ, IHC જેવા લાંબા ગાળાના રોકાણકારોને આકર્ષતુ રહ્યું છે.