રાજયમાં સાર્વત્રિક વરસાદ વરસતા રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે 33 જળાશયો સંપૂર્ણ છલકાયા જ્યારે 49 જળાશયોમાં 70 ટકાથી વધુ તેમજ80 જળાશયોમાં 25 થી 70 ટકા સુધી પાણી છે. જ્યારે સરદાર સરોવર ડેમ 64 ટકાથી વધુ ભરાયો છે.
ગુજરાતમાં જળાશયોની હાલની સ્થિતિ
ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં તા. ૧૯ જુલાઈએ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ કુલ ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૩.૯૬ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત ગુજરાતના ૩૩ જળાશયો ૧૦૦ ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયાં છે. જ્યારે ૪૯ જળાશયોમાં ૭૦ ટકાથી વધુ તેમજ ૮૦ જળાશયોમાં ૨૫ થી ૭૦ ટકા સુધી પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ શક્તિના ૬૪.૪૦ ટકા જેટલા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે, તેમ સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ-ગાંધીનગરના અહેવાલમાં જણાવાયું છે.
આ ડેમ 100 ટકા ભરાયા
અહેવાલમાં જણાવ્યાનુસાર, રાજ્યમાં ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાના ધાતરવાડી, મુંજિયાસર, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, દાહોદ જિલ્લાના ઉમરીયા, ગીર સોમનાથના મચ્છુન્દ્રિ, જામનગરના વઘાડીયા, સપાડા, પૂના, ફૂલઝર-૧ અને રૂપારેલ, જૂનાગઢના ઝાનજેશ્રી, ઉબેન, હસનપુર, હિરણ-૧, મોટા ગુજેરીયા, મધુવંતી, રાજકોટના વેરિ, લાલપરી, મોજ અને સોદવદર, સુરેન્દ્રનગરના મોર્શલ, વન્સલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા સહિતના જળાશયોનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્રના કુલ 141જળાશયમાં 63.85 ટકા પાણી
આ સિવાય હાલમાં ઉત્તર ગુજરાતના કુલ ૧૫ જળાશયમાં ૬૧.૧૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયમાં ૩૬.૫૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયમાં ૪૨.૨૬ ટકા, કચ્છના ૨૦ જળાશયમાં ૬૩.૬૧ ટકા તેમજ સૌરાષ્ટ્રના કુલ ૧૪૧ જળાશયમાં ૬૩.૮૫ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે, તેમ ફ્લડ કન્ટ્રોલ સેલના અહેવાલમાં વધુમાં જણાવાયું છે.