ભારતમાં રમતગમતનો નવો યુગ શરૂ થયો છે, જ્યાં હવે માત્ર ક્રિકેટમાં જ નહીં પરંતુ હોકી, શૂટિંગ અને ભાલા ફેંકમાં પણ આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ ઉભરી રહ્યાં છે.
2024ની જ વાત કરીએ તો આ વર્ષે પેરિસ ઓલિમ્પિક્સ T20 વર્લ્ડ કપ થયો, એથ્લેટિક્સમાં ડાયમંડ લીગની ફાઈનલ અને મહિલા હોકીમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી પણ ચર્ચાનું કેન્દ્ર રહી. તો ચાલો જાણીએ કે 2024માં સ્પોર્ટ્સમાં ભારતની સફર કેવી રહી?
ક્રિકેટમાં T20 વર્લ્ડ કપ જીત્યો
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં હારી ગયું હતું. જ્યારે T20 વર્લ્ડ કપ 2024નો વારો આવ્યો, ત્યારે ટીમ ઈન્ડિયા ફરી એકવાર ફાઇનલમાં પહોંચી, જ્યાં એનો સામનો દક્ષિણ આફ્રિકા સાથે થયો.
રોમાંચક ફાઇનલમાં, ભારતે આફ્રિકાને 7 રનના નજીકના માર્જિનથી હરાવીને T20 ક્રિકેટના ઇતિહાસમાં બીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો.
પેરિસ ઓલિમ્પિકમાં 6 મેડલ
ભારતીય ટુકડી ફરી એકવાર ઓલિમ્પિકમાં મેડલની સંખ્યાને બે આંકડા સુધી લઈ જવામાં નિષ્ફળ રહી. મનુ ભાકરે શૂટિંગમાં 2 બ્રોન્ઝ મેડલ જીતીને ઘણી હેડલાઇન્સ બનાવી હતી. એના સિવાય નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતે શૂટિંગમાં 3 મેડલ, એથ્લેટિક્સ, હોકી અને કુસ્તીમાં એક-એક મેડલ જીત્યા હતા.
પેરાલિમ્પિક્સમાં ભારતનો દબદબો
આ વર્ષે ભારતે પેરાલિમ્પિક ઈતિહાસમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને કુલ 29 મેડલ જીત્યા. ભારતના ખાતામાં કુલ 29 મેડલ આવ્યા, જે ગત વખત કરતા 10 વધુ છે. ભારતને એથ્લેટિક્સમાં 17, બેડમિન્ટનમાં 5, શૂટિંગમાં 4, તીરંદાજીમાં 2 અને જુડોમાં એક મેડલ મળ્યો છે.
તીરંદાજી વર્લ્ડ કપમાં 15 મેડલ જીત્યા
એપ્રિલમાં તીરંદાજી વર્લ્ડ કપ યોજાયો હતો, જેમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને કુલ 15 મેડલ જીત્યા હતા. એ ટુર્નામેન્ટમાં ભારતે 7 ગોલ્ડ, 5 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતના મોટાભાગના મેડલ ટીમ ઈવેન્ટ્સમાં આવ્યા હતા, પરંતુ ભારતીય તીરંદાજોએ સિંગલ ઈવેન્ટ્સમાં સંઘર્ષ કર્યો હતો.
18 વર્ષીય વિશ્વ ચેસ ચેમ્પિયન
ડોમ્મારાજુ ગુકેશે માત્ર 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો. વિશ્વ ચેમ્પિયન બનનાર એ વિશ્વનો સૌથી યુવા ચેસ ખેલાડી બન્યો. એણે ફાઇનલમાં 14માં રાઉન્ડમાં ચીનના ડીંગ લિરેનને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
મહિલા એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી
મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પોતાનો ઝંડો ફરકાવ્યો. ભારતીય હોકી ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં અપરાજિત રહીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં ચીનને 1-0થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. આ ત્રીજી વખત હતું જ્યારે ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો.