નવી દિલ્હીઃ ભારત અને બ્રિટન વચ્ચે લાંબી વાટાઘાટ પછી ઐતિહાસિક મુક્ત વેપાર સમજૂતી થઈ હતી. UK અને ભારતે ઐતિહાસિક વેપાર કરાર પર સહમતી આપી છે, જે મુજબ UK સરકારના મુખ્ય ઉદ્દેશો – અર્થતંત્રનો વિકાસ, જીવન ધોરણ સ્તર સુધારવું અને કામકાજી લોકોની આવકમાં વધારો – પર સીધું અસરકારક સાબિત થશે.
આ કરાર હેઠળ ભારતીય આયાત કર (ટેરિફ)માં ઘટાડો થશે, જેમાં 90 ટકા ટેરિફમાં ઘટાડો કરવામાં આવશે અને તેમાંથી 85 ટકા સંપૂર્ણપણે દસ વર્ષમાં ટેરિફમુક્ત થશે. વિસ્કી અને જિન પરના ટેરિફ 150 ટકામાંથી ઘટીને 75 ટકા અને એ પછી સમજૂતી હેઠળ 10 વર્ષમાં એ ઘટીને 40 ટકા થશે, જ્યારે ઓટોમોટિવ ટેરિફ 100 ટકાથી ઘટીને ક્વોટા હેઠળ 10 ટકા થઈ જશે.
આ ઉપરાંત મુક્ત વેપાર હેઠળ કોસ્મેટિક્સ, એરોપ્લેન પાર્ટ્સ, મેડિકલ ડિવાઇસ, સેલ્મન (માછલી), ઇલેક્ટ્રિકલ મશીનો, શરબતો, ચોકલેટ અને બિસ્કિટ જેવાં ઉત્પાદનો પર પણ ટેરિફ ઘટાડો થશે, જેથી ભારતીય ગ્રાહકો માટે સસ્તી કિંમતે માલસામાન ઉપલબ્ધ થશે. UKના ખરીદદારોને કપડાં, જૂતાં અને ખોરાકની વસ્તુઓ (જેમ કે ફ્રોઝન ચીજવસ્તુઓ)માં વધુ પસંદગીઓ અને સસ્તા ભાવે ઉપલબ્ધ થશે.
આ કરારથી દ્વિપક્ષી વેપારમાં 25.5 અબજ પાઉન્ડનો વધારો થશે અન UKના GDPમાં 4.8 અબજ પાઉન્ડનો વધારો થશે અને પ્રતિ વર્ષે વેતનમાં 2.2 અબજ પાઉન્ડનો વધારો થવાની શક્યતા છે. હવે UKના વ્યવસાયીઓ માટે ભારત જેવા ઊભરતા બજારમાં પ્રવેશ મેળવવો હવે વધુ સરળ બનશે, કારણ કે ભારત આગામી ત્રણ વર્ષમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
અમે હવે વેપાર અને અર્થતંત્ર માટે એક નવા યુગમાં પ્રવેશી ગયા છીએ. આ સરકારના સ્થિર અને વ્યવહારુ નેતૃત્વ હેઠળ UK વેપાર માટે આકર્ષક સ્થળ બન્યું છે. આજે અમે દુનિયાની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંથી એક સાથે ઐતિહાસિક કરાર કર્યો છે, જે UKના નાગરિકો અને વ્યવસાયીઓ માટે લાભદાયક સાબિત થશે, એમ UKના PM કીર સ્ટાર્મરે જણાવ્યું હતું.
આ વેપાર સમજૂતીથી વર્ષ 2030 સુધીમાં બંને અર્થતંત્રો બે ગણા થઈને 120 અબજ ડોલરે પહોંચવાની શક્યતા છે. FTA લાગુ થવાથી બ્રિટનના બજારમાં 99 ટકા ભારતીય ઉત્પાદનો પર શૂલ્ક ઝીરો થશે.
