IND vs SL: 27 વર્ષમાં પ્રથમ વખત શ્રીલંકા સામે ODI સિરીઝ હાર્યું ભારત

શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં ભારતીય બેટ્સમેનોનું નિરાશાજનક પ્રદર્શન ચાલુ રહ્યું અને આ મેચમાં ટીમને 110 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં સાત વિકેટે 248 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 26.1 ઓવરમાં 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બેટિંગ ઓર્ડર ફરી એકવાર શ્રીલંકાના સ્પિનરો સામે હાંફળા-ફાંફળા દેખાતા હતા અને કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમની ટર્ન પિચ પર સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. શ્રીલંકા માટે સ્પિનર ​​ડ્યુનિથ વેલાલેગે શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે પાંચ વિકેટ ઝડપી હતી અને ભારતીય દાવને ધમરોળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

શ્રીલંકાએ 1997 પછી પ્રથમ વખત ભારત સામે વનડે શ્રેણી જીતી

ભારત સામે ટી20 શ્રેણી 0-3થી ગુમાવ્યા બાદ શ્રીલંકાએ વનડે ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. બંને ટીમો વચ્ચે પ્રથમ વનડે ટાઈ થયા બાદ શ્રીલંકાએ બોલરોના દમ પર આગામી બે મેચ જીતી લીધી હતી. આ રીતે શ્રીલંકા ભારતથી આ શ્રેણી 2-0થી જીતવામાં સફળ રહ્યું હતું. ચારિથ અસલંકાની આગેવાની હેઠળની શ્રીલંકાની ટીમ માટે પણ આ જીત મહત્વની છે કારણ કે યજમાન ટીમે 1997 પછી પ્રથમ વખત ભારત સામે વનડે શ્રેણી જીતી છે. શ્રીલંકાએ છેલ્લે 1997માં અર્જુન રણતુંગાની કપ્તાનીમાં ભારતને 3-0થી હરાવ્યું હતું. ત્યારથી, ભારતે સતત 11 વખત વનડે શ્રેણી જીતી હતી, પરંતુ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ આ રેકોર્ડ જાળવી શકી ન હતી અને 27 વર્ષ પછી શ્રીલંકા સામે વનડે શ્રેણી ગુમાવવી પડી હતી.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને અસિથા ફર્નાન્ડોએ શુભમન ગિલને આઉટ કરીને પ્રથમ ઝટકો આપ્યો હતો. ભારતે 37 રનના સ્કોર પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. છેલ્લી બે મેચમાં અડધી સદી ફટકારનાર રોહિત શર્મા આ મેચમાં પણ શાનદાર પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો, પરંતુ વેલાલાગે કેપ્ટનને આઉટ કરીને ભારતને મોટો ઝટકો આપ્યો હતો. આ પછી ભારતીય દાવ પલટાયો અને ભારતીય બેટ્સમેનો એક પછી એક પોતાની વિકેટો ગુમાવતા રહ્યા. પ્રથમ બે મેચની જેમ આ મેચમાં પણ વિરાટ કોહલી પ્રભાવ પાડી શક્યો ન હતો અને 20 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. ભારતની બેટિંગ એટલી ખરાબ હતી કે ટીમે 100 રનના સ્કોર પર સાત વિકેટ ગુમાવી દીધી હતી. અંતમાં વોશિંગ્ટન સુંદરે 25 બોલમાં 30 રનની ઈનિંગ રમી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ભારત માટે માત્ર ચાર બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. રસપ્રદ વાત એ છે કે ભારતે સ્પિનરો સામે તેની નવ વિકેટ ગુમાવી હતી.

આખી વનડે સીરીઝ દરમિયાન ભારતીય બેટ્સમેનો સ્પિનરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ભારતે ત્રણ મેચની શ્રેણીમાં સ્પિનરો સામે કુલ 27 વિકેટ ગુમાવી છે, જે આટલી બધી મેચોની દ્વિપક્ષીય વનડે શ્રેણીમાં સ્પિનરો સામે કોઈપણ ટીમ દ્વારા ગુમાવેલી વિકેટોની સૌથી વધુ સંખ્યા છે. તે જ સમયે, વેલાલાગે ભારત સામે ODIમાં એક કરતા વધુ વખત પાંચ વિકેટ લેનાર પ્રથમ સ્પિનર ​​બન્યો. તેણે ભારત સામે બે વખત આ સિદ્ધિ હાંસલ કરી છે.