IND vs PAK : પાકિસ્તાન 241 રનમાં ઓલઆઉટ, ભારતને 242 રનનો ટાર્ગેટ

આજે (23 ફેબ્રુઆરી) ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમ પાકિસ્તાન સામે મહા મુકાબલો રમી રહી છે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં છે. આ મેચમાં પાકિસ્તાને ભારતને જીતવા માટે 242 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પાકિસ્તાની ટીમ 49.4 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પાકિસ્તાન તરફથી સઈદ શકીલે 62 રન બનાવ્યા. કુલદીપ યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી.

પાકિસ્તાની ટીમે મેચમાં સારી શરૂઆત કરી હતી. બાબર આઝમ અને ઇમામ ઉલ હકે મળીને પ્રથમ વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી. મોહમ્મદ શમીએ પણ લક્ષ્યહીન બોલિંગ કરીને ભારતનું કામ મુશ્કેલ બનાવ્યું. શમીએ મેચની પહેલી જ ઓવરમાં પાંચ વાઈડ બોલ ફેંક્યા. ભારતીય ટીમને પહેલી સફળતા હાર્દિક પંડ્યા તરફથી મળી, જેમણે 9મી ઓવરના બીજા બોલ પર બાબર આઝમને વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો. બાબરે 26 બોલમાં 23 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ અન્ય ઓપનર ઇમામ ઉલ હક (10) અક્ષર પટેલના રોકેટ થ્રોથી રન આઉટ થયો.

બે વિકેટ પડ્યા બાદ કેપ્ટન મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલે પાકિસ્તાની ઇનિંગ્સની કમાન સંભાળી. બંનેએ ત્રીજી વિકેટ માટે 104 રનની ભાગીદારી કરી. આ દરમિયાન શકીલે 63 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી. આ સદીની ભાગીદારી અક્ષર પટેલે તોડી હતી, જેણે રિઝવાનને શાનદાર બોલથી બોલ્ડ કર્યો હતો. રિઝવાને 77 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 46 રન બનાવ્યા. આ પછી હાર્દિક પંડ્યાએ સઈદ શકીલને આઉટ કરીને ભારતીય ટીમને મોટી સફળતા અપાવી. શકીલે 76 બોલમાં 62 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ તૈયબ તાહિર (4) ને રવિન્દ્ર જાડેજાએ આઉટ કર્યો. પાકિસ્તાને 15 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી, જેના કારણે ભારતને વાપસી કરવાનો મોકો મળ્યો.

ત્યારબાદ કુલદીપ યાદવે પાકિસ્તાનના ઉપ-કપ્તાન સલમાન અલી આઘા (19) અને શાહીન આફ્રિદી (૦) ને સતત બોલમાં આઉટ કરીને સ્કોર સાત વિકેટે 200 રન કર્યો. નસીમ શાહ કંઈ ખાસ કરી શક્યો નહીં અને 14 રન બનાવીને કુલદીપ યાદવનો શિકાર બન્યો. 8 રન બનાવીને હરિસ રૌફ પણ રન આઉટ થયો, જેના કારણે સ્કોર 9 વિકેટે 241 સુધી પહોંચી ગયો.

વિકેટોના પતન વચ્ચે ખુશદિલ શાહે 38 રનની ઇનિંગ રમીને પાકિસ્તાનને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. ખુશદિલે 39 બોલમાં બે છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા. 50મી ઓવરમાં ખુશદિલ હર્ષિત રાણાનો શિકાર બન્યો. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. જ્યારે હાર્દિક પંડ્યાએ બે વિકેટ લીધી. અક્ષર પટેલ, હર્ષિત રાણા અને રવિન્દ્ર જાડેજાને પણ એક-એક વિકેટ મળી.