આવકવેરા વિભાગના દરોડા, 353000000 રૂપિયા મળી આવ્યા

ઓડિશામાં દારૂ બનાવતી કંપનીના જૂથ સાથે જોડાયેલા વિવિધ સ્થળો પર આવકવેરા વિભાગના દરોડા સોમવારે સતત છઠ્ઠા દિવસે ચાલુ રહ્યા હતા અને અત્યાર સુધીમાં કુલ 353 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ રિકવર કરવામાં આવી છે. દેશભરમાં કોઈપણ તપાસ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં વસૂલવામાં આવેલી આ સૌથી વધુ રકમ છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. આવકવેરા વિભાગના અધિકારીઓ બૌધ જિલ્લામાં કોંગ્રેસના સાંસદના પરિવારની માલિકીની બૌધ ડિસ્ટિલરીઝના સુદાપાડા એકમ પર પહોંચ્યા, જ્યાં કેન્દ્રીય એજન્સીએ 6 ડિસેમ્બરે તેની સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે સંબલપુર, તિતલાગઢ, સુંદરગઢ, બોલાંગીર અને ભુવનેશ્વરમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ઈન્ફર્મેશન ટેક્નોલોજી પ્રોફેશનલ્સ સાથે ઈન્કમ ટેક્સ વિભાગની ટીમે રવિવારે રાત્રે જપ્ત કરાયેલી રોકડની ગણતરી પૂર્ણ કરી અને હવે રિકવર કરાયેલા દસ્તાવેજો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, રવિવાર રાત સુધીમાં 353 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડની ગણતરી કરવામાં આવી હતી અને જપ્ત કરવામાં આવી હતી. દેશમાં કોઈપણ તપાસ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં વસૂલવામાં આવેલી આ સૌથી વધુ રકમ છે.

ઓડિશામાં, વિપક્ષી ભારતીય જનતા પાર્ટી (BJP) એ સોમવારે શાસક બીજુ જનતા દળ (BJD) અને રાજ્ય સરકાર પર તેના હુમલાને વધુ તીવ્ર બનાવ્યો, અને રાજ્યમાં ગેરકાયદેસર દારૂના વેપાર અને કાળા નાણાંના પ્રસારને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો. બીજેપીના ઓડિશા યુનિટના પ્રમુખ મનમોહન સામલે ‘X’ પર લખ્યું, રાજ્યમાં દારૂ માફિયાઓના વિકાસ માટે ઓડિશા સરકારની આબકારી નીતિ જવાબદાર છે. સરકાર દારૂના વેપારીઓને અયોગ્ય લાભ આપી રહી છે અને બીજેડી તે કાળા નાણાંથી ચૂંટણી લડી રહી છે.