ગાંધીનગર: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IIT-GN) અને એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (AIT), થાઇલેન્ડે સાથે મળીને ડબલ ડિગ્રી માસ્ટર્સ પ્રોગ્રામ (DDMP) શરૂ કરવાની જાહેરાત કરી છે. આ જોડાણથી વિદ્યાર્થીઓને બે અલગ-અલગ માસ્ટર ડિગ્રી મેળવવાની તક મળે છે, એક IIT-GNમાંથી અને બીજી AITમાંથી. ડબલ ડિગ્રી માસ્ટર પ્રોગ્રામમાં ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બાયો-નેનો મટિરિયલ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ, રિમોટ સેન્સિંગ એન્ડ જિયોગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (GIS), જીઓટેકનિકલ અને અર્થ રિસોર્સિસ એન્જિનિયરિંગ, વોટર એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, અને સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝિશન સહિતની અદ્યતન શાખાઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓને પ્રથમ અને ચોથા સેમેસ્ટર થાઈલેન્ડમાં AIT ખાતે અને બીજા અને ત્રીજા સેમેસ્ટર ભારતમાં IIT-GN ખાતે ભણવાની અને સાથે વૈશ્વિક શૈક્ષણિક પ્રવાસનો અનુભવ કરવાની તક મળશે. તેમને બંને સંસ્થાઓના નિષ્ણાંત ફેકલ્ટી અને શિક્ષણવિદો પાસેથી શીખવાની, ઈન્ટરડિસિપ્લિનરી રિસર્ચ ડોમેન્સને એક્સપ્લોર કરવાની અને સાથે જ વિશ્વ-સ્તરની પ્રયોગશાળાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઍક્સેસ કરવાની તક મળશે.વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કર્યા બાદ પ્રોફેશનલ્સ બને તેની ખાતરી કરવા માટે, IIT-GN અને AIT સમગ્ર એશિયામાં ઔદ્યોગિક જૂથો, બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ, NGO અને સરકારી એજન્સીઓ સાથે નેટવર્કિંગની વ્યાપક તકો પણ તેમને પ્રદાન કરશે. પ્લેસમેન્ટ અને જોબ ફેરમાં સામેલ થવાથી સ્નાતક થયા પછી કારકિર્દીની પ્રગતિ માટેની ઉત્તમ તકો તેમને પ્રાપ્ત થશે. બંને સંસ્થાઓ કેમ્પસમાં રહેઠાણની સુવિધાઓ પૂરી પાડશે અને વિદ્યાર્થીઓને ઈ-વિઝા પ્રક્રિયામાં પણ મદદ કરશે. IIT-GN અને વિદ્યાર્થીઓના નાણાકીય બોજને ઘટાડવા માટે બિલ્ટ-ઇન સ્કોલરશીપ અને અન્ય નાણાકીય સહાય પણ ઓફર કરે છે.
ઑગસ્ટ 2024 ઇન્ટેક માટે એડમિશન ઓપન થઈ રહ્યું છે. અરજીની અંતિમ તારીખ 15 જુલાઈ, 2024 છે. વધુ માહિતી અને અરજી કરવા માટેની વેબસાઈટ છે– https://sdp.ait.ac.th/admissions