ગાંધીનગર: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) અને અદાણી ગ્રૂપની પેટાકંપની અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ વચ્ચે ડિફેન્સ ટેક્નોલોજીમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવાના નોંધપાત્ર પગલારૂપે MOU પર હસ્તાક્ષર થયા. બંન્ન સંસ્થાઓ સાથે મળીને સંરક્ષણ કાર્યક્રમો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ (ML), અને લાર્જ લેંગ્વેજ મોડલ્સ (LLM) સહિતની ટેક્નોલોજી પર કામ કરશે.IITGN કેમ્પસમાં આ MOU પર IITGNના સંશોધન અને વિકાસ વિભાગના ડીન પ્રોફેસર અમિત પ્રશાંત અને અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના સીઈઓ આશિષ રાજવંશીએ હસ્તાક્ષર કર્યા હતા. MOUનો ઉદ્દેશ્ય સંરક્ષણ કાર્યક્રમો માટે AI અને MLના ક્ષેત્રોમાં સંશોધન, શિક્ષણ અને નવીનતામાં સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. સહયોગમાં સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સ, પ્રોટોટાઇપ વિકાસ, વિદ્યાર્થી પ્રોજેક્ટ્સ અને સંયુક્ત વર્કશોપનો સમાવેશ થશે.
અદાણી ડિફેન્સ અને એરોસ્પેસના સીઈઓ આશિષ રાજવંશીએ આ પ્રસંગે જણાવ્યું કે, “IITGN સાથે અમારું જોડાણ સંરક્ષણ ક્ષેત્રની ટેક્નોલોજીકલ ઉત્ક્રાંતિમાં એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. IITGN ના શૈક્ષણિક કૌશલ્ય સાથે અમારી ઔદ્યોગિક કુશાગ્રતાના જોડણથી અમે સંરક્ષણ ક્ષેત્ર માટે અત્યાધુનિક અને નવીન ઉકેલો વિકસાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. અમારા સંયુક્ત પ્રયાસો રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેના અમારા સમર્પણને રેખાંકિત કરે છે અને સંરક્ષણ ટેક્નોલોજીમાં ભારતની આત્મનિર્ભરતા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને સમર્થન આપે છે.”
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અને IITGN વચ્ચેના આ MOU ટેક્નોલોજીકલ ઈનોવેશન અને શૈક્ષણિક-ઉદ્યોગ સહયોગ દ્વારા ભારતના સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે એક મોટું પગલું છે.