IFFCOએ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ 2025ની ઘોષણાનું સ્વાગત કર્યુ

નવી દિલ્હી: IFFCOએ લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ 2025ની ઘોષણા અને 26મી માર્ચ 2025ના રોજ નીચલા ગૃહ દ્વારા મળેલ મંજૂરીનું સ્વાગત કરે છે. સહકાર અને ગૃહમંત્રી અમિત શાહે બિલની જાહેરાત કરતાં કહ્યું કે આઝાદીના 75 વર્ષ પછી, દેશને તેની પ્રથમ સહકારી યુનિવર્સિટી મળી રહી છે. ત્રિભુવન સહકારી યુનિવર્સિટી(TSU) ગ્રામીણ અર્થતંત્રને રોજગાર, વ્યાવસાયિક વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા દ્વારા મજબૂત બનાવશે. TSU સહકાર ક્ષેત્રમાં નવીનતા અને સંશોધનને પ્રોત્સાહન આપશે. ‘સહકાર સે સમૃદ્ધિ’ના મિશન સ્ટેટમેન્ટ સાથે સુસંગત, આ પહેલ સ્થાનિકથી વૈશ્વિક સ્તરે સહકારી સંસ્થાઓને અપગ્રેડ કરવામાં મદદરૂપ થશે.

અમિત શાહે જણાવ્યું હતું કે આ બિલ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવશે, આત્મનિર્ભરતા અને નાના ઉદ્યોગોને વિકસિત કરશે.  સામાજિક સમાવીશન વધારશે અને નવીનતા તથા સંશોધન ક્ષેત્રે નવા માપદંડ સ્થાપિત કરવા માટે વધુ તક આપશે. તેમણે ઉમેર્યું કે આ યુનિવર્સિટી સમગ્ર દેશ માટે એક નવી સહકારી નેતાગીરી પ્રજ્વલિત કરશે જે સહકારની ભાવના અને આધુનિક શિક્ષણથી સુસજ્જ હશે.

IFFCOના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. ઉદય શંકર અવસ્થીએ આ પ્રસંગે જણાવ્યું કે, “ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ 2025 એક ઐતિહાસિક પગલું છે. જે સહકાર ક્ષેત્રના વિકાસ માટે પથપ્રદર્શક સાબિત થશે. આ યુનિવર્સિટીની સ્થાપના સહકારી ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માનનીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો આ અભૂતપૂર્વ પગલાં માટે હાર્દિક સ્વાગત કરું છું. આ યુનિવર્સિટી ભારતીય કૃષિ, ખેડૂતો અને ગ્રામ્ય વિકાસ માટે એક મોટું પગલું છે, જે અમારા ગામડાઓને વધુ મજબૂત બનાવશે.”

IFFCOના ચેરમેન દિલીપ સંઘાણીએ આ પ્રસંગે જણાવ્યું કે, “આ યુનિવર્સિટી દ્વારા આગામી પેઢી માટે સહકારી નેતૃત્વના વાવેતર અને સંભારણાની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવશે.” તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહનો આ ઐતિહાસિક પ્રોજેક્ટ માટે આભાર માન્યો હતો. વધુમાં કહ્યું હતું કે, પ્રશિક્ષિત માનવ સંસાધનની જરૂરિયાતના પુરવઠા માટે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી મુખ્ય ભૂમિકા ભજવશે.

આ યુનિવર્સિટીના ડિપ્લોમા અને ડિગ્રી ધારકો માટે રોજગારની નવી તકો ઉભી થશે. આ યુનિવર્સિટી સ્થાનિક તેમજ વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. સહકારી વ્યવસ્થાપન માટે વ્યાવસાયિક અભ્યાસક્રમો સહકાર ક્ષેત્રને વૈશ્વિક સ્તરે માર્કેટિંગ કરવાની તકો આપશે, જે સહકારી ક્ષેત્રના કુલ આઉટપુટ અને આવકમાં વધારો કરશે.

ગ્રામીણ અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે

સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, “દેશની આ પ્રથમ સહકારી યુનિવર્સિટી 75 વર્ષ પછી નિર્માણ પામશે અને જ્યારે અહીં દર વર્ષે 8 લાખ વિદ્યાર્થીઓ ડિપ્લોમા, ડિગ્રી અથવા સર્ટિફિકેટ મેળવી શકશે. ત્યારે સહકારી ચળવળમાં નવી ઉર્જાનો સંચાર થશે.”ઈન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA)ના ડાયરેક્ટર જનરલ જેરોન ડગલસે વિડીયો સંદેશ દ્વારા આ પગલાંને વિશ્વવ્યાપી સહકારી ચળવળ માટે એક મજબૂત આધારસ્તંભ ગણાવ્યું અને ભારત સરકારના આ નક્કર નિર્ણય માટે આભાર માન્યો.