અમદાવાદઃ કચ્છના ભૂતપૂર્વ IAS પ્રદીપ શર્માને જમીન ફાળવણીના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. જમીન ગોટાળાના કેસમાં ભૂજ કોર્ટે પ્રદીપ શર્મા સહિત કુલ ચાર જેટલા આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. ભૂતપૂર્વ કલેક્ટરે જિંદાલ ગ્રુપને જમીન આપી તેમા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આજે ભુજની નામદાર કોર્ટે પ્રદીપ શર્મા સહિત ચાર આરોપીને દોષિત જાહેર કરીને તમામ આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી છે.
સો પાઇપ્સ લિમિટેડ જિંદાલ કંપનીને જમીન ફાળવણી કેસમાં કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા તથા સહ આરોપીઓને ભૂજની નામદાર કોર્ટ દ્વારા પાંચ વર્ષની સખત કેદ તથા રૂ. 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કેસમાં રાજ્ય સરકાર CID ક્રાઇમ, એજન્સીના પ્રોસિકયુશન તરફે સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર એચ. બી. જાડેજાએ હાજર રહી સાક્ષી તપાસીને દલીલ કરી હતી.
તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું કે સો પાઇપ્સ લિમિટેડે મુન્દ્રા તાલુકાના મોજે સમા ઘોઘાની સીમમાં આવેલી સરકારી જમીનની ફાળવણીની વિગતે પ્રદીપ શર્માએ જિલ્લા કલેકટર તરીકે સરકારના પરિપત્ર 6 જૂન 2003 તેમજ પરિપત્ર ઠરાવ 27 નવેમ્બર 2000માં થયેલા હુકમ મુજબ 2 હેકટર 15 લાખની કિંમત સુધીની ઔદ્યોગિક હેતુ માટે જમીન મંજૂર કરવાની સત્તા આપવામાં આવી હતી, તેમ છતાં પણ પ્રદીપ શર્માએ આ માગણીની ઔદ્યોગિક હેતુના જમીન ફાળવણી અંગેના પ્રકરણમાં 47,173 ચોરસ મીટર જમીન મંજૂર કરેલી.
પ્રદીપ શર્માએ સત્તા અધિકાર બહાર જઇને તેમ જ સરકારના વખતોવખતના પરિપત્રો અને હુકમોને ધ્યાને નહી લઈ સરકારના હુકમોની અવગણના કરી હતી. આ કામોના તમામ આરોપીઓને IPC કલમ 409, 12 0(બી), મુજબના ગુનામાં દોષી ઠરાવીને પાંચ વર્ષની સખત કેદની સજા અને 10,000 નો દંડ કરવામાં આવ્યો છે.
