મુકેશ અંબાણી ફરી અદાણીને પાછળ છોડી ટોપ પર પહોંચ્યા

હુરુન ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં ઘણા ફેરફારો થયા છે. ‘360 વન વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023’ અનુસાર, દેશમાં સંપત્તિના વિતરણને લગતા ઘણા નવા વલણો સામે આવ્યા છે. આ યાદીમાં 278 નવા લોકો સામેલ થયા છે, જેમની કુલ સંપત્તિ 7,28,200 કરોડ રૂપિયા છે. આ યાદીમાં ઔદ્યોગિક ઉત્પાદનો સાથે સંબંધિત 33 જ્યારે મેટલ અને માઈનિંગ ક્ષેત્ર સાથે સંબંધિત 29 લોકોને પ્રથમ વખત સ્થાન મળ્યું છે. આ સમયગાળા દરમિયાન રૂ. 1,000 કરોડથી વધુની સંપત્તિ ધરાવનાર વ્યક્તિઓની સંખ્યામાં 219 લોકો અથવા 76%નો વધારો નોંધાયો છે. આનાથી આવી સંપત્તિ ધરાવતા વ્યક્તિઓની કુલ સંખ્યા 1,319 થઈ ગઈ છે.

મુકેશ અંબાણી આ યાદીમાં ટોચ પર છે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી આ વર્ષની યાદીમાં અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીને પાછળ છોડીને રૂ. 8,08,700 કરોડની નેટવર્થ સાથે ટોચ પર છે. આ સિવાય કુમાર મંગલમ બિરલા અને નીરજ બજાજ ભારતના ટોપ 10 અમીરોની યાદીમાં પાછા ફર્યા છે. તેણે વિનોદ અદાણી અને ઉદય કોટકને હરાવીને યાદીમાં પુનરાગમન કર્યું છે.

આ યાદીમાં 90ના દાયકામાં જન્મેલા 12 ભારતીયો સામેલ

આ વખતની યાદીમાં સ્વ-નિર્મિત સાહસિકોની સંખ્યા મુખ્ય હતી. રાધા વેમ્બુએ ફાલ્ગુની નાયરને પાછળ છોડીને સૌથી અમીર ભારતીય મહિલાની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ સિવાય આ યાદીમાં 90ના દાયકામાં જન્મેલા 12 ભારતીયોના નામ સામેલ છે. આ યાદીમાં સૌથી યુવા ઉદ્યોગસાહસિક તરીકે ગ્રોસરી ડિલિવરી એપ્લિકેશન ઝેપ્ટોના સહ-સ્થાપક, બેંગલુરુ સ્થિત કેવલ્યા વોહરાના નામનો સમાવેશ થાય છે. તેની ઉંમર માત્ર 20 વર્ષની છે.

ફાર્માસ્યુટિકલ સેક્ટરે મજબૂત કામગીરી દર્શાવી હતી

યાદી અનુસાર ફાર્માસ્યુટિકલ સેક્ટરે મજબૂત કામગીરી દર્શાવી હતી. યાદીમાં આ ક્ષેત્રના સૌથી વધુ 39 અબજપતિઓના નામ સામેલ છે. આ પછી કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ સેક્ટરના 23 અને ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ ઈન્ડસ્ટ્રીના 22 લોકોના નામ યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. અહેવાલમાં સ્વ-નિર્મિત ઉદ્યોગસાહસિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો પણ દર્શાવવામાં આવ્યો છે, જેમાં રેકોર્ડ-બ્રેકિંગ 871 સ્વ-નિર્મિત ઉદ્યોગસાહસિકોનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે સૂચિમાં 66% હિસ્સો ધરાવે છે.

અબજોપતિઓની યાદીમાં મુંબઈ મોખરે 

યાદીમાં સમાવિષ્ટ મુખ્ય ભારતીય શહેરોમાં, મુંબઈ 328 નામ સાથે આગળ છે, ત્યારબાદ નવી દિલ્હી (199) અને બેંગલુરુ (100) છે. પ્રથમ વખત તિરુપુરે યાદીના ટોપ 20 શહેરોમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ વખતની યાદીમાં ઉદ્યોગસાહસિકોની રાશિએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. મીન રાશિના લોકો ધન સંચયમાં અગ્રેસર છે. આ પછી વૃષભ અને તુલા રાશિ છે. રિપોર્ટમાં સૌથી વધુ કન્યા રાશિના લોકોનો સમાવેશ થાય છે જે યાદીના 9.6% છે.