ગેરકાયદે દરગાહ હટાવવા પર ભારે બબાલઃ પોલીસ કર્મચારીઓ ઘાયલ

નાસિક: ગઈ કાલે રાત્રે મહારાષ્ટ્રના નાસિકમાં ગેરકાયદે દરગાહને તોડી પાડવા પહોંચેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી આ હુમલામાં 21 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.  કોર્પોરેશનના કર્મચારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જવાબમાં પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા હતા, આ ઘટના બાદ વિસ્તારમાં માહોલ તંગ છે. બુધવારે પણ દરગાહની આસપાસ પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

નાસિકના કાઠે ગલી વિસ્તારમાં આવેલી એક ગેરકાયદે ઊભી કરવામાં આવેલી સતપીર દરગાહને દૂર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને મધ્યરાત્રિએ ઝુંબેશ શરૂ કરી હતી. આ માટે કાઠે ગલીથી ભાભા નગર તરફ જતા ટ્રાફિકને અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે, એમ અહેવાલ કહે છે.

આ કાર્યવાહી દરમિયાન અસામાજિક તત્ત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારામાં વાહનોને નુકસાન પહોંચ્યું હતું. આ પથ્થરમારામાં બે ACP અને 20થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. એક પોલીસ કર્મચારીના પગમાં ફ્રેક્ચર થયું હોવાના પણ અહેવાલ છે. પોલીસે કાર્યવાહી આઠ લોકોની અટકાયત કરી છે.

આજે મૌલાનાઓની મદદથી દરગાહને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે શહેરમાં તણાવપૂર્ણ માહોલ છે. આજે દિવસભર ભારે સુરક્ષા-વ્યવસ્થા રહેશે.

નાસિક મહાનગરપાલિકાએ પહેલી એપ્રિલે 15 દિવસમાં અનધિકૃત બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારી હતી. નાસિકના કાઠે ગલી સિગ્નલ વિસ્તારમાં આવેલી સતપીર દરગાહને પણ નોટિસ ફટકારી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સતપીર દરગાહ અનધિકૃત છે.