ગપસપ, બાળકોને ભવિષ્યના નિર્ણય લેવામાં મદદરૂપ?

દરેક બાળકના માતા-પિતા મોટે ભાગે પોતાના બાળકોની મિત્રતા સારી છે કે નહીં તે ચકાસતાં હોય છે. કેમ કે, બાળકો પર તેમની આસપાસના વાતાવરણ, મિત્રતાની ઘણી જ ઉંડી છાપ લાંબા ગાળા માટે રહી જાય છે!

તો આવી જ બાબતોને લગતા વર્તમાનમાં અનેક અભ્યાસ થઈ રહ્યાં છે. મનોવિજ્ઞાન એટલું વિકસિત થઈ રહ્યું છે કે, બાળકોના વિકાસને લગતા દરેક પાસાંને લઈને જરૂરી અભ્યાસો થઈ રહ્યાં છે.આવા જ એક અભ્યાસ મુજબ, બાળકો તેમના મિત્રો સાથે ભેગા મળીને આપસમાં ગપ્પાં મારતા હોય છે. આપસની આ ગપસપ તેમને ભવિષ્યના મહત્વના નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે એવું તારણ નીકળ્યું છે!

ગપસપથી બાળકો તેમના માટે વિશ્વાસુ મિત્રને ઓળખી શકે છે. જો કે, વાતચીત સાચી હોય તો! જો આ જ ગપસપ ખોટી હોય, તેમાંની વાતો જો અફવા માત્ર હોય તો સામે છેતરાવાના જોખમ પણ ઉભા થઈ શકે છે!

બાળકો સતત શીખતા અને વિકાસ કરતા હોય છે. શરૂઆતના વર્ષોમાં તેમને મળતાં અનુભવો તેમના સામાજિક અને ભાવનાત્મક વિકાસ પર મહત્વની અસર કરે છે. તાજો અભ્યાસ એ બાબત પર પ્રકાશ ફેંકે છે કે, કઈ રીતે રમતના મેદાન પરની સામાન્ય અફવાઓ સુદ્ધાં બાળકની તેમના સાથીદાર વિશેની ધારણાને પ્રભાવિત કરે છે.

‘રોયલ સોસાયટી ઓપન સાયન્સ’માં પ્રકાશિત અધ્યયનમાં, લેખકોએ લખ્યું છે કે, ‘નકારાત્મક ગપસપના આધાર પરથી બાળકો તેમનો આગામી વ્યવહાર શીખી શકે છે. તેઓ પરિસ્થિતિ પ્રમાણે અનુકૂલન સાધીને તે અનુસાર વર્તણૂંક કરી શકે છે. જેથી ભવિષ્યમાં કોઈ દુષ્ટ વ્યક્તિ સાથે પનારો પડે તો તેને કારણે થતી હાનિકારક પરિસ્થિતિઓને ટાળી શકાય. એવી કોઈ વ્યક્તિ જે ખોટા ઈરાદાવાળી હોઈ શકે અને જે બાળકનું શોષણ અથવા નુકસાન કરી શકે છે.’

સંશોધકોને તપાસમાં જાણવા મળ્યું કે, કઈ રીતે બાળકો ગપસપની દુનિયામાં વિચરે છે. તેમણે જોયું કે, બાળકો અનેક સ્ત્રોતો દ્વારા મળતી સકારાત્મક અફવાઓને સહેલાઈથી સ્વીકારી લે છે. પરંતુ એની સામે અધ્યયનમાં બીજી ચિંતાજનક બાબત એ સામે આવી કે, કોઈ એક પણ નકારાત્મક અફવા તેમના માનસપટ પર એટલી ઉંડી છાપ છોડે છે કે, લક્ષિત સહાધ્યાયી સાથે મિત્રતા બનાવતા તેઓ બહુ જ સાવધ બની જાય છે.

આ એકતરફી વિશ્વાસ પાછળના કારણો હજુ અસ્પષ્ટ છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, આ કુદરતી સંરક્ષણ તંત્ર કહીએ અથવા કહીએ કે, સ્વયંસ્ફુરણા હોઈ શકે છે. જે બાળકને એવી વ્યક્તિથી મિત્રતા કરતા બચાવે છે, જેનો તેમના ઉપર કદાચ સારો પ્રભાવ નથી રહ્યો.

જાપાનના સંશોધકોએ 7 વર્ષની વયજૂથના બાળકોને સારા, ખરાબ કે તટસ્થ ગપસપ સાથેના કઠપૂતળીના અમુક વિડિયો બતાવ્યા. તેમાં હકારાત્મક ગપસપ સાથેની કઠપૂતળીઓને બાળકોએ વધુ પુરસ્કૃત કરી. જ્યારે ફક્ત એક જ ખોટી અફવાએ તેનું મૂલ્યાંકન ઘટાડ્યું. અભ્યાસ સૂચવે છે કે, બાળકો સર્વસંમતિ તેમજ ન્યાયીપણાને વધુ મૂલ્ય આપે છે. સારા કાર્યોને પુરસ્કૃત કરે છે. જ્યારે નકારાત્મકતાને ઝડપથી સજા કરે છે.

અભ્યાસનું આ એક બહુ જ આશ્ચર્યજનક તારણ છે કે, બાળકો બહુવિધ બાતમીદારો તરફથી મળતી હકારાત્મક બાતમીને તરત સ્વીકારી લે છે. પરંતુ કોઈ એ જ વાત કોઈ એક તરફથી મળતી હોય તો તેને નથી સ્વીકારતા. જ્યારે, નકારાત્મક ગપસપ પર સ્ત્રોતોની સંખ્યાને ધ્યાનમાં ન લેતા, કોઈ એક તરફથી પણ મળતી નકારાત્મક બાતમીને તેઓ સાચી માનીને તેના પર પૂરો આધાર રાખી લે છે.