મુંબઈ: મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે, જેણે ચાહકોનું દિલ તોડી નાખ્યું છે. ગાયક અને સંગીતકાર હિમેશ રેશમિયાના પરિવાર પર જાણે દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. બોલિવૂડમાં ઘણા લોકોની કારકિર્દીને વેગ આપનાર તેમના પિતા અને જાણીતા સંગીત નિર્દેશક વિપિન રેશમિયાનું ગઈકાલે રાત્રે નિધન થયું છે.
અહેવાલો અનુસાર ગાયકના પિતાનું બુધવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે અવસાન થયું હતું. તેમની ઉંમર 87 વર્ષની હતી. હિમેશ રેશમિયા તેના પિતાની ખૂબ નજીક હતા, તે ઘણીવાર તેની સાથે ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હતા.
સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલો અનુસાર હિમેશ રેશમિયાના પિતા વિપિન રેશમિયાને શ્વાસ લેવામાં તકલીફ તેમજ વય સંબંધિત બિમારીઓ બાદ મુંબઈના અંધેરી વેસ્ટ સ્થિત કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સંગીત નિર્દેશકે અંતિમ શ્વાસ લીધા હતા. હિમેશ રેશમિયાના પિતાના નશ્વર અવશેષોને પહેલા તેમના ઘરે લાવવામાં આવ્યા હતાં, જ્યાં સંગીત ઉદ્યોગના લોકો અને તેમના નજીકના લોકો અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી ગાયકના પિતાના અંતિમ સંસ્કાર મુંબઈના ઓશિવારા સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા.
વિપિન રેશમિયાએ હિન્દી ફિલ્મોમાં વિશેષ યોગદાન આપ્યું
ગુજરાતના રાજુલામાં 5 મે 1940ના રોજ જન્મેલા વિપિન રેશમિયાએ સંગીત ઉદ્યોગમાં વિશેષ યોગદાન આપ્યું છે. સંગીતકાર હોવા ઉપરાંત તે એક નિર્માતા પણ હતા, જે ખાસ કરીને 1988માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઇન્સાફ કી જંગ’, 2014માં રિલીઝ થયેલી ‘ધ એક્સપોઝ’ અને 2016માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તેરા સુરૂર’ માટે જાણીતા છે. તમને જણાવી દઈએ કે બોલિવૂડ ગીતો કંપોઝ કરવા સિવાય વિપિન રેશમિયાએ ઘણા ભક્તિ ગીતોમાં પણ યોગદાન આપ્યું છે. તેમના કામની સાથે તેઓ ઘણા ગાયકોની કારકિર્દીને પ્રોત્સાહન આપવા માટે પણ પ્રખ્યાત છે.