આ વખતે બજારમાં પિચકારીઓ અને કલર્સમાં શું છે નવી વેરાયટી?

અમદાવાદ: શહેરના સિઝનેબલ ચીજવસ્તુઓ વેચતા વેપારીઓએ હોળી-ધુળેટીના તહેવારની ઉજવણીમાં વપરાતી સામગ્રી મોટા પ્રમાણમાં બજારમાં મુકી છે. દરેક વિસ્તારોમાં દુકાનો ઉપરાંત ખુલ્લી જગ્યામાં લાગેલા મંડપોમાં બ્રાન્ડેડ હર્બલ ગુલાલ, પિચકારીઓ, ફૂગ્ગાં, ટ્યુબ કલર, હીરાકણી જેવી અનેક અવનવી વસ્તુઓનું ભરપૂર વેચાણ થઇ રહ્યું છે.

શહેરની મધ્યમાં જે જૂના હોલસેલ બજાર કરતાં પણ કેટલીક આધુનિક, નવી વેરાઇટી પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના નવા બજારોમાં મળી રહી છે. આ વર્ષે ઇકોફ્રેન્ડલી કલર, પિચકારીઓની વિવિધ સાઇઝ અને ડિઝાઇન બજારમાં આવી ગઇ છે. પરંતુ મોંધવારી સતત વધતા ભાવને કારણે હોલસેલ બજારમાં તેજી છે, બીજી તરફ છુટક વેપારમાં તેજીનો અભાવ જોવા મળે છે.

લારીઓ, સિઝનેબલ મંડપો, દુકાનોમાં છોટા ભીમ, સુપરમેન, સ્પાઇડરમેન, અવનવા કાર્ટુન, જાણીતા ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટરોના સ્ટીકર સાથે અનેક ડિઝાઇનમાં પિચકારીઓ આવી ગઇ છે. આ વર્ષે ઇલેક્ટ્રિકથી ચાર્જ કરી પાણી ભરી છાંટી શકાય એવી પિચકારીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. રૂપિયા 30 થી માંડી 1500 સુધીની અવનવી ડીઝાઇન સાથેની પિચકારીઓ મનોરંજન માટે બજારમાં ઉપલબ્ધ છે. લગ્ન જેવા પ્રસંગોમાં ફૂટતાં કલરફૂલ ફટાકડાની આઈટમ તેમજ બંદૂકમાંથી નીકળતા કલર આ વર્ષે બજારમાં નવા સ્વરૂપે આવી ગયા છે. બંદૂકના ધડાકા સાથે ફૂટતા અને ઉડતાં કલરથી રંગરસિયા મોજમસ્તીમાં આવી જાય તેવાં છે.

આખુંય વર્ષ તહેવારો અને ઉત્સવોમાં જગ્યા રાખી વેપાર કરતાં વિકાસ પટણી ચિત્રલેખા. કોમને કહે છે આ વર્ષે વેપારીઓના મંડપ, લારીઓ વધારે છે. રોજગાર મેળવવાની સૌને આશ છે.‌ પરંતુ મોંઘવારી, પરીક્ષાઓના કારણે વસ્તુઓનું વેચાણ ઓછું થવાનો છુટક વેપારીઓમાં ભય રહે છે. આ વર્ષે રંગોત્સવ સારો જાય એવી વેપારીઓ આશ લગાવીને બેઠા છે.

શહેરના જુદાં-જુદાં બજારમાં હોળી-ધુળેટીના પર્વ પહેલાં નાની-મોટી ધાણી, મમરા, ખજૂર અને હાયડા જેવી ખાદ્ય-સામગ્રી પણ વેચાણ માટે મોટાં પ્રમાણમાં બજારમાં આવી ગઈ છે.

પ્રજ્ઞેશ વ્યાસ (અમદાવાદ)