‘ડાંગ દરબાર’ શા માટે ભરાય છે ? જાણો ઐતિહાસિક મેળાની તારીખ-તવારીખ

સુરત: તા – ૨૦ માર્ચે દક્ષિણ ગુજરાતના પ્રસિદ્ધ ડાંગ દરબારની શાહી સવારી આવી રહી છે, ત્યારે ઇતિહાસના પાનાઓ ઉપર અંકિત ‘ડાંગ દરબાર’ની તારીખ અને તવારીખના પાના ઉખેળીએ.
ઈ.સ.૧૮૪૨ સુધી ડાંગમા ભીલ રાજાઓ અને નાયકો રાજ કરતા હતા. તે સમયે એટલે કે સને ૧૮૪૨મા, ડાંગના જંગલના પટા બ્રિટીશરોએ મેળવ્યા. આ પટા પેટે જંગલના અધિકારપત્રો પણ ભીલ રાજા, નાયકોએ બ્રિટિશરોને સુપ્રત કર્યા. જેના બદલામા ભીલ રાજાઓને કેટલાક આબકારી હક્કો, હળપટ્ટીના રૂપમા જમીન મહેસુલ, પશુધન માટે ઘાસચારાની તથા બીજી પેશ્વાઈ ભથ્થાની વાર્ષિક રકમ, બ્રિટિશરો તરફથી મળતી. આ રકમ, દર વર્ષે રાજવીઓ, નાયકો, અને તેમના ભાઉબંધોને ડાંગી પ્રજાજનોનો ‘દરબાર’ ભરીને, બ્રિટિશ હુકુમત તરફથી આપવામા આવતી. આ ‘દરબાર’ યોજવા પાછળનો બ્રિટિશરોનો મુખ્ય આશય ડાંગી રાજાઓ, નાયકો, ભાઉબંધો અને તેમની પ્રજા એક જ છત્ર નીચે એકત્ર થાય અને બ્રિટિશ સત્તા માટે તેમના મનમાં સદભાવના અને વ્યવહારભાવના કેળવાય તેવો હતો.
એક સદી પહેલા યોજાતા ‘દરબાર’ના પ્રસંગો ખુબ જ વિશિષ્ટ રીતે ઉજવાતા. રંગબેરંગી પોશાકોમા સજ્જ રાજવી પરિવાર, ભાઉબંધો, નાયકો, બેથી ત્રણ દિવસો સુધી અહીં પડાવ રાખીને રહેતા અને મેળામા મ્હાલતા. બ્રિટિશ પોલિટિકલ એજન્ટના હાથે સાલિયાણું મેળવવું એ ઘણુ માનભર્યું સમજતા. ઈ.સ. ૧૮૭૬/૭૭મા રાણી વિક્ટોરિયાનો ભારતના મહારાણી તરીકે રાજ્યાભિષેક થયો, તે વખતે ધૂળિયા (હાલનુ મહારાષ્ટ્ર)માં દરબાર યોજાયો હતો. ત્યાર પછી પીપળનેર, પીપ્લાઈદેવી અને શિરવાડામાં પણ દરબાર યોજવાનો ઉલ્લેખ જોવા મળે છે. સને ૧૯૦૦ના મે માસમાં વઘઈ ખાતે પણ દરબાર યોજાયો હતો. આ દરબારમાં રાજવીઓને શિરપાવ અપાતો. નાયકો, ભાઉબંધો અને પોલીસ પટેલોને પણ જંગલમાં લાગતી આગ નિવારણની કામગીરી સાથે બીજા સારા કામો માટે બક્ષીસો અપાતી.
સને ૧૯૧૦માં પીમ્પરીના નાયકને જંગલ ખાતાની ઉપયોગી સેવાઓ બદલ એક બંદૂક બક્ષિસમાં આપવામાં આવી હતી. એ જ વરસે સારી જાતના પાક ઉત્પાદન માટે પણ કેટલાક પોલીસ પટેલોને ચાંદીના કડા બક્ષીસરૂપે આપવામાં આવ્યા હતા. સને ૧૯૧૧મા ચિંચલી-ગડદના નાયકને બ્રિટિશ સરકાર પ્રતિ વફાદાર રહેવા બદલ સોનાની વીંટી આપવામા આવી હતી. સને ૧૯૧૩ના ‘ડાંગ દરબાર’માં ખુબ જ મોટી સંખ્યામા લોકો હાજર રહ્યા હતા. એ વખતે ગાઢવી, પિંપરી, દહેર, ચિંચલી, કિરલી અને વાસુરણાના રાજાઓ તથા ગાઢવી રાજ પરિવારના એક વયોવૃદ્ધ વડીલને “દિલ્હી દરબાર” તરફથી ખાસ “ચંદ્રકો” પણ એનાયત કરાયા હતા.
સને ૧૯૧૪માં ડાંગના ભીલ રાજાઓએ બ્રિટિશ હુકમતી સામે બળવો પોકાર્યો હતો. સને ૧૯૧૫મા બળવામાં ભાગ લેનાર રાજા, નાયકોને દંડ કરાયો હતો. જયારે જેમણે આ બળવામાં ભાગ લીધો ન હતો તેમને ચાંદીના ઘરેણા અને રોકડ રકમ આપવામાં આવી હતી.
સને ૧૯૩૫માં ભરાયેલો ડાંગ દરબાર વિશિષ્ઠ પ્રકારનો હતો. આ દરબારને “રૌપ્ય મહોત્સવ” તરીકે ઉજવવામા આવ્યો હતો. આ દરબારમાં રોકડ રકમ સહિત શિરપાવની પણ વહેંચણી કરાઈ હતી. સને ૧૯૪૭ સુધી ત્રણ વખત “ડાંગ દરબાર” આહવા ખાતે યોજાયો હતો. સને ૧૯૪૮મા ડાંગનું ભારતમાં વિલીનીકરણ થયુ. તેમ છતા “ડાંગ દરબાર” પ્રથા ચાલુ રહી.
સને ૧૯૫૪થી મુંબઈ સરકારે રાજાઓ, નાયકો અને ભાઉબંધોને પેશગી આપવાની પ્રથામાં ફેરફાર કરી, તેમના મૂળ હકોના બદલામાં તેમને વંશપરંપરાગત “પોલિટિકલ પેન્શન” (રાજકીય પેન્શન) આપવાનુ શરુ કર્યું. જે પરંપરા આજદિન સુધી ચાલી રહી છે. સને ૧૯૫૪થી આજદિન સુધી આહવા ખાતે જ “ડાંગ દરબાર” યોજાય છે.
સને ૨૦૨૦મા “કોરોના”નો પ્રવેશ ભારતમાં થતા ડાંગ દરબારના ઉદ્ઘાટન સમારોહમાં પ્રતિવર્ષ પધારતા રાજ્યપાલ આવી શક્યા ન હતા. માત્ર પ્રભારી મંત્રીના હસ્તે કોરોનાની હદેશત વચ્ચે સમારોહ આયોજિત કરાયો હતો. સને ૨૦૨૧માં ફરી એકવાર “કોરોના”નો ડોળો “ડાંગ દરબાર”ને ડરાવી ગયો હતો. ભાતીગળ લોકમેળો રદ થવા સાથે પોલિટિકલ પેન્શન પણ કલેક્ટરની ચેમ્બરમાં ખુબ જ સાદગીપૂર્ણ રીતે અર્પણ કરાયુ હતુ.
ડાંગ દરબાર શરુ થાય તે પહેલા એકાદ સપ્તાહ અગાઉથી જ બજાર/હાટ, મેળો ભરાવાનું શરૂ થાય છે. ડાંગના પ્રજાજનો અહીંથી રોજબરોજની ચીજવસ્તુઓની ખરીદી કરતા હોય છે. રંગ પંચમી પછી દરબારની ભીડ અને હોળીનો ઉત્સાહ ઓસરતો જાય છે. પરંતુ આ તહેવારની મીઠાશભરી સ્મૃતિઓ આખુ વર્ષ લોકમાનસ ઉપર છવાયેલી રહે છે.
સને ૨૦૨૩ના ડાંગ દરબાર સાથે ડાંગના પાંચ રાજવીઓ કિરણસિંહ યશવંતસિંહ (ગાઢવી રાજ)ને વાર્ષિક રૂ.૨,૩૨,૬૫૦, છત્રસિંગ ભવરસિંગ (આમાલા રાજ)ને વાર્ષિક રૂ.૧,૭૫,૬૬૬ ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી (વાસુર્ણા રાજ)ને રૂ.૧,૪૭,૫૫૩, તપતરાવ આનંદરાવ પવાર (દહેર રાજ)ને રૂ.૧,૫૮,૩૮૬ તથા ત્રિકમરાવ સાહેબરાવ (પીંપરી રાજ)ંને રૂ.૧,૯૧,૨૪૬ સહિત નવ નાયકો અને ૪૪૩ ભાઉબંધોને કુલ વાર્ષિક રૂ. ૭૨ લાખ, ૩૯ હજાર, ૫૭૪નું પોલિટિકલ પેન્શન એનાયત થઈ રહ્યું છે.
અરવિંદ ગોંડલિયા (સુરત)