નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં એક હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. આ દુર્ઘટના સવારે આશરે નવ વાગ્યાના સમયે ગંગનાની નજીક બની હતી. આ અકસ્માતમાં છ લોકોનાં મોત થયાં છે, જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા છે. ગઢવાલના ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે વહીવટી તંત્ર અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સેના, પોલીસ, ડિઝાસ્ટર વ્યવસ્થાપન ટીમ, એમ્બ્યુલન્સ અને રેવન્યુ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી છે.
આ હેલિકોપ્ટર ગંગોત્રી જઈ રહ્યું હતું. આ હેલિકોપ્ટર કોઈ ખાનગી કંપનીનું હોવાનું જણાવવામાં આવ્યું છે, જેમાં કુલ સાત લોકો સવાર હતા. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. લોકોની ભીડ પણ ત્યાં એકઠી થઈ ગઈ છે.
ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ
આ હેલિકોપ્ટર ખાનગી એરલાઇન્સનું હતું. અકસ્માત માટે ખરાબ હવામાનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. જોકે હજી સાચાં કારણો સામે આવ્યાં નથી. એ સાથે-સાથે એ પ્રશ્ન પણ છે કે જો હવામાન ખરાબ હતું તો હેલિકોપ્ટરે ઉડાન કઈ પરિસ્થિતિમાં ભરી હતી? આ ઘટના પછી આ વિસ્તારમાં ભારે ટેન્શન છે. વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
CM પુષ્કર સિંહ ધામી દ્વારા શોક વ્યક્ત કરાયો
આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકો માટે CM પુષ્કર સિંહ ધામીએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ઉત્તરકાશીના ગંગનાની નજીક હેલિકોપ્ટર ક્રેશમાં કેટલાક લોકોના મોત થયાના અત્યંત દુઃખદ સમાચાર મળ્યા છે. રાહત અને બચાવ કાર્ય માટે SDRF અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ઈશ્વર ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શાંતિ આપે અને તેમના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ દુર્ઘટનામાં ઘાયલોને તમામ શક્ય મદદ પહોંચાડવા અને ઘટના અંગે તપાસ કરવા માટે વહીવટી તંત્રને નિર્દેશ આપવામાં આવ્યા છે. હું સતત અધિકારીઓ સાથે સંપર્કમાં છું અને દરેક સ્થિતિ પર નજર રાખી રહ્યો છું.
