કોંગ્રેસ ઓફિસમાં ભારે મારપીટ, કાર્યકરો લોહીલુહાણ

આરા: બિહારના આરા શહેરમાં કોંગ્રેસ ઓફિસમાં કાર્યકરો વચ્ચે ભારે મારામારી  થઈ હતી. કોંગ્રેસના બિહાર પ્રભારી સચિવ અને છત્તીસગઢના ભિલાઈ વિધાનસભાના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રસાદ યાદવના સન્માન માટે સમારોહ રાખવામાં આવ્યો હતો, પરંતુ આ કાર્યક્રમ દરમિયાન જ કોંગ્રેસ કાર્યકરો એકમેક સાથે આપસમાં લડી મર્યા હતા.
સ્થિતિ એટલી બગડી ગઈ કે કેટલાક કાર્યકરો લોહીલુહાણ થઈ ગયા. આ ઘટનામાં પૂર્વ MLC અજય સિંહને પણ ઇજા પહોંચી છે. આ ઘટનાનો એક વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં કાર્યકરો વચ્ચે ઘમસાણ જોવા મળ્યું છે.

આ વિડિયો ક્લિપમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કાર્યકરો એકબીજા સાથે ધક્કામુક્કી અને મારામારી કરી રહ્યા છે. કેટલાક લોકોએ માથું ફોડી નાખ્યું છે. આ વિડિયોમાં લોકોનાં કપડાં ખેંચાતાં પણ જોવા મળ્યું છે. અજય સિંહના સમર્થક એવા એક કાર્યકરને માથામાં ગંભીર ઇજા પહોંચી છે અને તેના માથેથી લોહી વહેતું જોવા મળી રહ્યું છે.

બિહાર કોંગ્રેસમાં આંતરિક ફૂટ
આ ઘટનામાં કોંગ્રેસના આંતરિક મતભેદોને સપાટી પર આવ્યા છે. પાર્ટીના જ કાર્યકરો એકબીજા સાથે આ રીતે મારપીટ કરી રહ્યા છે, જેનાથી વિરોધ પક્ષોને બેઠાં-બેઠાં સવાલ ઉઠાવવાની તક મળી ગઈ છે.

આ મારામારીમાં એક નેતા માથામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલ થયેલા કોંગ્રેસ નેતા નવાદા થાણા વિસ્તારમાં આવેલા નવાદા મહોલ્લાના નિવાસી શિવકુમાર સિંહના 41 વર્ષના પુત્ર સુનીલકુમાર સિંહ છે. સુનીલ કોંગ્રેસના વરિષ્ઠ કાર્યકર છે.

તેમના પિતા શિવકુમાર સિંહ પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને સુનીલકુમાર હિંદૂ મહિલા કોલેજમાં સહાયક ક્લાર્ક તરીકે નોકરી કરે છે.

 સુનીલકુમાર સિંહે જણાવ્યું હતું કે ભિલાઈના વિધાનસભ્ય દેવેન્દ્ર યાદવને જોવા અને સાંભળવા માટે તેઓ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. ત્યાં દેવેન્દ્ર યાદવના આગમન પછી ઝિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યા હતા.