હર્ષ સંઘવીએ વિજયાદશમી નિમિતે કર્યું શસ્ત્ર પૂજન

સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મંગળવારે વિજયાદશમીના અવસરે શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસ જવાનો સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રપૂજન કર્યું હતું. જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ખામીઓ સામે ખૂબીઓનો વિજય એટલે દશેરા. નકારાત્મકતાના રાવણનું દહન કરીને હૃદયમાં સકારાત્મકતાની જ્યોત પ્રગટાવીએ. આ પ્રસંગે પોલીસ કમિશનર અજયકુમાર તોમર, જોઈન્ટ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર, જોઈન્ટ પોલીસ કમિશનર(ટ્રાફિક) એચ. આર. ચૌધરી, એડિશનલ પો. કમિશનર(ક્રાઈમ) શરદ સિંઘલ, એડિશનલ પો. કમિશનર(સેક્ટર ૧) કે.એન. ડામોર સહિત તમામ ડી.સી.પી., એ.સી.પી.ઓ અને પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિજયાદશમીનો પવિત્ર પર્વ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતીક

ગૃહરાજ્યમંત્રીએ રાજ્યના નાગરિકો, સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, વિજયાદશમીનો પવિત્ર પર્વ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતીક છે. દશેરા એટલે ખામીઓ સામે ખૂબીઓનો વિજય એમ જણાવી નકારાત્મકતાના રાવણનું દહન કરીને હૃદયમાં સકારાત્મકતાની જ્યોત પ્રગટાવવા આહ્વાન કર્યું હતું. તેમણે રાજ્યમાં છેલ્લાં બે વર્ષથી ડ્રગ્સના દૈત્યને નાથવાનું અને ડ્રગ્સ રેકેટનો સંપૂર્ણપણે સફાયો કરવાનું અભિયાન ચાલી રહ્યું હોવાનું જણાવી રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા, સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી.