વડોદરા: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરી વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે અને તેમણે કલેક્ટર કચેરી ખાતે રિવ્યુ બેઠક યોજી છે. આ રિવ્યુ બેઠકમાં IMA, પોલીસ સહિત અન્ય વિભાગો પણ જોડાયા છે.
વડોદરા IMA(ઈન્ડિયન મેડિકલ એસોસિએશન) ના પ્રમુખ ડો.મિતેષ શાહે બેઠકમાં નિવેદન આપ્યું છે કે આગામી 10 દિવસ બાદ શહેરમાં રોગચાળો વકરવાની શકયતા છે. વડોદરામાં ભારે વરસાદને પગલે શહેરની 980 હોસ્પિટલ પૈકી 160 હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલા આઈ.સી.યુમાં પાણી ભરાયા હતા અને 37 હોસ્પિટલમાં આઈ.સી.યુમાં વધુ પાણી ભરાતા દર્દીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. પૂરની પરિસ્થિતિને કારણે હોસ્પિટલોને કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે. 980 હોસ્પિટલના 14000 તબીબો સરકારી હોસ્પિટલને મદદ કરશે. આ સાથે જ સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, પારૂલ સેવાશ્રમ સાથે ચર્ચા કરી છે. ખાનગી હોસ્પિટલના તબીબો પણ પૂર આવ્યુ ત્યારથી તમામ વિસ્તારમાં સેવા આપી રહ્યા છે.શહેરમાં પૂરના પાણીની સાથે મગરો પણ અનેક જગ્યાએ બહાર આવી ગયા હતા. તો વન વિભાગ અને ખાનગી માણસો તેમજ એન.જી.ઓ.ની મદદથી આ મગરોના રેસ્કયૂ કરવામાં આવ્યા હતા અને તેમને પાછા નદીમાં છોડવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા 4 દિવસમાં આશરે 25 કરતા વધારે મગરોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે. શહેરના મકરપુરા, સમા તળાવ, સયાજીગંજ, રાત્રિ બજાર, કમાટીબાગ, MS યુનિવર્સિટી, અકોટા પોલીસલાઈન, માંજલપુર સહિતના વિસ્તારોમાંથી મગરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
