હમાસનો ઇઝરાયલ પર જવાબી હુમલો, અનેક શહેરો પર રોકેટ છોડ્યા

ગાઝા: પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે રવિવારે ઇઝરાયલના દક્ષિણ શહેરો પર રોકેટ છોડ્યા હતા, જેમાંથી મોટાભાગના રોકેટ ઇઝરાયલી સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં તોડી પાડવામાં આવ્યા હતા. હમાસે દાવો કર્યો હતો કે તેણે ગાઝામાં ઇઝરાયલી સુરક્ષા દળો દ્વારા કરવામાં આવી રહેલા નરસંહારના જવાબમાં આ હુમલો કર્યો હતો.

ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે લગભગ 10 પ્રોજેક્ટાઇલ છોડવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી મોટાભાગનાને સફળતાપૂર્વક અટકાવવામાં આવ્યા હતા. જો કે, ઇઝરાયેલી ચેનલ 12 એ દક્ષિણ શહેર એશ્કેલોનમાં સીધા હુમલાની જાણકારી આપી હતી, જેમાં ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા હતા.

ઇઝરાયલી ઇમરજન્સી સર્વિસે જણાવ્યું હતું કે એક વ્યક્તિ છરાથી ઘાયલ થયો હતો અને તેની સારવાર ચાલી રહી છે. ઘટનાસ્થળે વધુ ટીમો મોકલવામાં આવી છે. ઉપરાંત, ઇઝરાયલી ઇમરજન્સી સેવાઓ દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં, એક તૂટેલી કાર અને રસ્તા પર વિખરાયેલો કાટમાળ દેખાય છે.

હુમલા પછી, ઇઝરાયલી સેનાએ આદેશ જારી કર્યો

હુમલા પછી તરત જ, ઇઝરાયેલી સૈન્યએ X પર એક નવો આદેશ જારી કર્યો, જેમાં મધ્ય ગાઝા પટ્ટીના દેઇર અલ-બલાહ શહેરના અનેક જિલ્લાઓના રહેવાસીઓને અગાઉ રોકેટ ફાયરિંગનો ઉલ્લેખ કરીને તેમના વિસ્તારો છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો. લશ્કરી ચેતવણીમાં કહેવામાં આવ્યું હતું કે, ‘આ હુમલા પહેલાની છેલ્લી ચેતવણી છે.’ પાછળથી તેણે કહ્યું કે તેણે એક રોકેટ લોન્ચર પર હુમલો કર્યો હતો. જેણે અગાઉ ગાઝા પટ્ટીથી પ્રોજેક્ટાઇલ છોડ્યા હતા. દરમિયાન, ગાઝાના સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી લશ્કરી હુમલામાં ઓછામાં ઓછા 39 લોકો માર્યા ગયા હતા.

ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, જેઓ યુ.એસ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત માટે વોશિંગ્ટન જઈ રહ્યા હતા, તેમને તેમના સંરક્ષણમંત્રીએ ઇઝરાયલ કાત્ઝે રોકેટ હુમલાની જાણ કરી. તેમના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નેતન્યાહૂએ નિર્દેશ આપ્યો છે કે હુમલાનો કડક જવાબ આપવામાં આવે અને હમાસ વિરુદ્ધ ઇઝરાયલી સૈન્ય દ્વારા સતત સઘન કાર્યવાહીને મંજૂરી આપવામાં આવે.

હુમલામાં 12 લોકો ઘાયલ થયા હતા

ઇઝરાયલના ચેનલ 12 ટેલિવિઝનએ એશ્કેલોનની બાઝિલાઈ હોસ્પિટલના અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે ગાઝાથી રોકેટ ફાયરિંગના પરિણામે ઓછામાં ઓછા 12 લોકોને નાની ઇજાઓ માટે સારવાર આપવામાં આવી હતી,15 મહિનાના યુદ્ધ પછી 19 જાન્યુઆરીએ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો અમલમાં આવ્યો હતો. જેમાં લડાઈ બંધ કરવી, હમાસ દ્વારા રાખવામાં આવેલા કેટલાક ઇઝરાયલી બંધકોની મુક્તિ અને કેટલાક પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિનો સમાવેશ થાય છે. જો કે, 19 માર્ચે, ઇઝરાયલે કહ્યું કે તેના સૈનિકોએ મધ્ય અને દક્ષિણ ગાઝા પટ્ટીમાં ભૂમિ કાર્યવાહી ફરી શરૂ કરી દીધી છે. યુદ્ધવિરામ વાટાઘાટોમાં મડાગાંઠ માટે બંને પક્ષોએ એકબીજાને દોષી ઠેરવ્યા. પેલેસ્ટિનિયન અધિકારીઓનું કહેવું છે કે ગાઝામાં ઇઝરાયલી હુમલાઓમાં 50,000થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.