ગુજરાતની અર્થવ્યવસ્થા નવી ઊંચાઈએ, 8.42 ટકાના વૃદ્ધિ દર સાથે મોખરાનું રાજ્ય

ગુજરાતની માથાદીઠ આવકે પહેલી વખત રૂપિયા 3 લાખ પાર કરી,  જે રાજ્યની સર્વગ્રાહી પ્રગતિ અને મજબૂત આર્થિક પાયા તરફ ઈશારો કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૃષ્ટિ અને ગુજરાતમાં તેમણે શરૂ કરેલા વિકાસ મોડેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ મળતી ગતિએ રાજ્યની અર્થવ્યવસ્થાએ ઐતિહાસિક સિદ્ધિઓ નોંધાવી છે.

 કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આર્થિક આંકડાઓ મુજબ, સપ્ટેમ્બર 2025માં પૂર્ણ થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં દેશનો GDP વૃદ્ધિદર 8.2% રહ્યો છે, જેમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ગુજરાત આજે દેશની સૌથી ઝડપી વિકસતી અને મજબૂત અર્થવ્યવસ્થાઓમાં ગણાય છે. આ જ કારણે તેને ભારતનું ગ્રોથ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે.

2023-24ના આર્થિક વર્ષમાં રાજ્યનું કુલ ઘરેલું ઉત્પાદન (GSDP) રૂપિયા 24.62 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. આ પ્રદર્શન સાથે ગુજરાત મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક પછી ભારતના ટોચના પાંચ સૌથી મોટા અર્થતંત્રમાં સ્થાન ધરાવે છે.

આર્થિક વિશ્લેષકોના જણાવ્યા મુજબ, વૃદ્ધિનું સાચું મૂલ્યાંકન કન્સ્ટન્ટ પ્રાઇસિસ પર થતું હોય છે, કારણ કે તે મોંઘવારીનો પ્રભાવ દૂર કરીને વાસ્તવિક આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. આ માપદંડ પર જોવામાં આવે તો 2012-13થી 2023-24 વચ્ચે ગુજરાતે સરેરાશ 8.42 ટકાનો વાસ્તવિક વૃદ્ધિદર હાંસલ કર્યો છે. જે રૂપિયા 10 લાખ કરોડથી વધુ GSDP ધરાવતા મુખ્ય રાજ્યોમાં સૌથી ઊંચો છે. ગુજરાતે કર્ણાટક (7.69%) અને તમિલનાડુ (6.29%) જેવા રાજ્યોને પાછળ મૂકીને આ આગવી સિદ્ધિ હાંસલ કરી છે. મોટા રાજ્યો સામાન્ય રીતે સ્ટ્રક્ચરલ મુદ્દાઓને કારણે ધીમા પડતા હોય છે, પરંતુ ગુજરાત પોતાના સશક્ત ઔદ્યોગિક માળખા, રોકાણમૈત્રી નીતિઓ અને ઉચ્ચ સ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ઝડપી ગતિ જાળવી શક્યું છે.

GSDPના તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે રાજ્યની અર્થવ્યવસ્થા વિવિધ ક્ષેત્રોમાં થયેલી વિકાસગતિને કારણે મજબૂત બની છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે 2023-24માં રૂપિયા 7.43 લાખ કરોડનું યોગદાન આપ્યું છે, જે GSVAનો લગભગ એક-તૃતીયાંશ હિસ્સો બને છે. કન્સ્ટ્રક્શન અને યુટિલિટીઝ ક્ષેત્રનો ફાળો રૂપિયા 2.31 લાખ કરોડ રહ્યો, જ્યારે વેપાર, પરિવહન, નાણા, રિયલ એસ્ટેટ જેવા સેવા ક્ષેત્રોએ મળીને રૂપિયા 7.81 લાખ કરોડનું યોગદાન આપ્યું. કૃષિ, વન અને માછીમારી જેવા પરંપરાગત ક્ષેત્રોએ પણ રૂપિયા 3.69 લાખ કરોડનું ઉત્પાદન કરીને રાજ્યના સમાવેશી વિકાસને મજબૂત બનાવ્યો છે.

એક દાયકાની તુલનામાં જોવામાં આવે તો મૂળ કિંમતો પર ગુજરાતનું GSDP 2-11-12 રૂપિયા6.16 લાખ કરોડથી વધી 2023-24માં રૂપિયા 24.62 લાખ કરોડ થઈ ગયું છે. જે લગભગ ચાર ગણો વધારો છે અને રાજ્યની આર્થિક શક્તિને સ્પષ્ટ રીતે રજૂ કરે છે.

ગુજરાતે પ્રથમ વખત માથાદીઠ આવક રૂપિયા 3,00,957ના આંકને પાર કરી છે. આ સિદ્ધિ રાજ્યના વધતા ઉત્પાદન, શ્રમક્ષમતાના સ્તર અને આર્થિક પ્રવૃત્તિઓમાં વ્યાપક ભાગીદારી બતાવે છે. આ આંકડો મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યો કરતાં વધુ છે, જે ગુજરાતની આર્થિક કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે.

ઉચ્ચ વાસ્તવિક વૃદ્ધિદર, મજબૂત ઇકોનોમિક બેઝ અને ઉદ્યોગ–સેવા–કૃષિ ત્રણેય ક્ષેત્રોના સંતુલિત યોગદાન સાથે ગુજરાત આજે દેશના સૌથી તેજીયાર અને સ્થિર મુખ્ય અર્થતંત્રમાં સ્થાન પામ્યું છે. 8.42 ટકાની વાસ્તવિક વૃદ્ધિ સાથે રાજ્ય વિકાસ, સુશાસન અને વ્યૂહાત્મક અમલીકરણનું મોડેલ તરીકે ઉભર્યું છે.