અમદાવાદઃ સાયન્સ સિટીમાં 16 સપ્ટેમ્બરે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત સાયન્સ સિટીમાં આ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાજર રહેલાં દિવ્યાંગ બાળકોએ ઓઝોન, ઓઝોન વાયુની અસરો, ઓઝોન વાયુને નુકસાનકર્તા પરિબળો અને અને ઓઝોન વાયુના રક્ષણ માટેના ઉપાયો વિશેની માહિતી મેળવી હતી.
આ માહિતી તેમને ગુજરાત ઈકોલોજી કમિશનના પ્રોગ્રામ ઓફિસર દેવેન મહેતાએ આપી હતી. આ ઉપરાંત તેમણે બાળકોને મિશન લાઇફ અંગે પણ વાકેફ કર્યા હતા. જેમાં તેમણે મિશન લાઇફની અલગ-અલગ સાત થીમ અને તે વિશેના પ્રોગ્રામની જાણકારી આપી હતી. પર્યાવરણનું રક્ષણ થાય એ માટે બાળકોને મિશન લાઇફની સાત થીમની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ દિવ્યાંગ બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ વધે એ હેતુથી ગુજરાત સાયન્સ સિટીમાં અવારનવાર વિજ્ઞાન વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે.
