અમદાવાદઃ શહેરના નવા વિકસેલા પોશ વિસ્તાર શીલજ વિસ્તારની એસ ટેનિસ એકેડમી માંથી કોરોનાની આ આફત વેળાએ પાંચ હજાર કરતાં વધારે લોકોને દરરોજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ભોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીઓમાં ભરી જુદા જુદા વિસ્તારોમાં પહોચાડવામાં આવે છે. પોલીસ કર્મચારીઓ દ્વારા પણ અહીંથી તૈયાર થયેલ ફૂડ પેકેટ્સ લઇ જઇ વિતરણ કરવામાં આવે છે.
આ નિયમિત ચાલતી પ્રક્રિયામાં સૌથી મહત્ત્વની વાત એ છે કે જેની આગેવાનીમાં આ સેવાકાર્ય થઇ રહ્યું છે, એ અમીબેન મોદીના પિતાનું ગત રાત્રે અવસાન થયું. રાત્રે પિતાનું અવસાન થયું અને બીજા દિવસે સવારે અંતિમ ક્રિયા પત્યા બાદ અમીબેન પાછા સેવા કાર્યમાં લાગી ગયા. સ્વયંસેવકોની ભોજન તૈયાર કરવાની કામગીરી, સ્વૈચ્છિક સંસ્થાઓ -સરકારી તંત્રમાંથી ભોજન અને કાચુ સીધુ ભરવા માટે આવેલી ગાડીઓ વચ્ચે અમીબેન અડીખમ કામ કરતાં જોવા મળ્યા. ચિત્રલેખા. કોમે જ્યારે અમીબેનને કહ્યું કે એક તરફ પિતાનું અવસાન અને તરત જ સેવા કાર્ય..? ભીની આંખો અને ભારે હ્રદય સાથે અમીબેન બોલ્યા : પિતા તો ગુમાવ્યા પણ આ કપરા સમયમાં પાંચ હજાર કરતાં વધારે લોકો ને ભોજનની વ્યવસ્થા તેમજ અન્ય સામગ્રીની કિટ તૈયાર કરી પહોંચાડવી એ ખુબજ જરૂરી છે. આ સેવાકાર્યથી જરુર એમના આત્માને શાંતિ મળશે. મારી શ્રી॥ સંસ્થા સંકટ સમયે સતત આવા સત્કાર્યો કરે એવા જ પ્રયાસો રહશે. કોરોના કેર વચ્ચે શીલજ એસ ટેનિસ એકેડમીમાં ચાલતા આ કેમ્પમાં અત્યંત આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી સેનિટાઇઝેશન સાથે ખાદ્ય પદાર્થો, સામગ્રી અમદાવાદ શહેરમાં પહોચાડવામાં આવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)