આજે રાજ્ય સહિત દેશમાં શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે બીજી બાજું ફરી એક વખત સરકાર સામે શિક્ષક બનવાની માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર સચિવાલય ખાતે મોટી સંખ્યામાં પહોંચ્યા છે. કાયમી ભરતી કરવા અને નોટિફિકેશન બહાર પડવા માટે માંગ સાથે શિક્ષકો વિરોધ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ જાહેરાત કર્યા પછી પણ કાયમી ભરતી કરાતી નથી હોવાની રજૂઆત કરવા આવેલા ટેટ-ટાટ પાસ શિક્ષકોની પોલીસે અટકાયત કરી છે.
આ અગાઉ રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં TAT HSની 4 હજાર જગ્યાઓની ભરતી માટે 1 સપ્ટેમ્બરનાં રોજ નોટિફિકેશન જાહેર થવાનું આશવાસન આપવામાં આવ્યું હતું. જો કે, નોટિફિકેશન જાહેર ન થતા ઉમેદવારોએ આંદોલનની જાહેરાત કરી હતી. આજે TAT પાસ ઉમેદવારો ‘શિક્ષક દિવસ’ નિમિત્તે ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કરવા પહોંચ્યા છે.
રાજ્યમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા પર ભરતી અંગે આજે ગાંધીનગરમાં ઉમેદવારો ધરણા પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા. આજે ગુજરાત સહિત દેશભરમાં ‘શિક્ષક દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગરમાં એક વાર ફરી શિક્ષકો દ્વારા ભરતી, પગાર સહિતના વિવિદ મુદ્દાઓ સાથે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું. નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ઑગસ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન વિવિધ તબક્કે સંભવત: અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી કારવાની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં અમુક વિષયના શિક્ષકોની જાહેરાત ન થતાં અલગ અલગ વિષયના શિક્ષક સંગઠનો અને સંઘો સરકાર સામે લેખિત અને રૂબરૂ રજૂઆત કરવા આવી રહ્યા છે.