શું કહે છે વાવ વિધાનસભાનો ઇતિહાસ?

ફરી એક વખત દેશમાં ચૂંટણીને લઈને રાજકીય પક્ષમાં હલચલ જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર અને ઝાંરખંડ વિધાનસભા ચૂંટણી સાથે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. 13 નવેમ્બરે વાવ બેઠક પર મતદાન યોજાશે અને 23મી નવેમ્બરે પરિણામ જાહેર થશે.

કોંગ્રેસનાં ગેનીબહેન ઠાકોર વાવ બેઠક પરથી ધારાસભ્ય હતાં. 2024ની લોકસભા ચૂંટણીમાં એમને કોંગ્રેસે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. ગેનીબહેન ઠાકોર ગુજરાત કોંગ્રેસનાં એકમાત્ર નેતા હતાં જેઓ લોકસભા ચૂંટણી જીતવામાં સફળ રહ્યાં. માટે વાવ વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. હવે એના પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી જામી છે.

છ દાયકા પછી મળ્યા બનાસકાંઠાને મહિલા સાંસદ

નોંધનીય છે કે આ લોકસભા બેઠક પર બે મહિલાઓ સામસામે હતી. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે આ લડાઈ હતી અને અંતે ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળ્યો. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.

વાવનો રાજકીય ઇતિહાસ

1967થી અત્યાર સુધી 12 વખત ચૂંટણી યોજાઇ
7 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો
12 ચૂંટણીમાંથી ભાજપ 2 વાર ચૂંટણી જીતી શક્યું
1998માં કોંગ્રેસના હેમાજી રાજપૂત ચૂંટાયા
2002માં કોંગ્રેસના હેમાજી રાજપૂત ચૂંટાયા
2007માં પ્રથમવાર ભાજપના પરબત પટેલ ચૂંટાયા
2012માં શંકર ચૌધરી વાવ બેઠક પરથી જીત્યા
2017માં પરિવર્તનનો પવન ફૂંકાયો, કોંગ્રેસે બાજી મારી
2017 અને 2022માં કોંગ્રેસના ગેનીબેન જીત્યા
2024 લોકસભામાં ગેનીબેનને કોંગ્રેસે ટિકિટ આપી
ગેનીબેન લોકસભા ચૂંટણી જીત્યા અને સાંસદ બન્યા
ગેનીબેને MLA પદેથી રાજીનામું આપતા બેઠક ખાલી

શું કહે છે જાતિ સમીકરણ ?

જાતિ-જ્ઞાતિનું સમીકરણની વાત કરીએ તો એક અંદાજ પ્રમાણે 30 હજાર દલિત મતદારો, 43 હજાર ચૌધરી મતદારો, મુસ્લિમ મતદારો 14,500, બ્રાહ્મણ મતદારો 15,000, ઠાકોર મતદારો 44,000 રબારી મતદારો 19,000 અને 41 હજાર રાજપૂત મતદારો છે. વાવ વિધાનસભાના કુલ 321 પોલીંગ સ્ટેશન છે. કુલ 3,10,681 મતદારોનો સમાવેશ થાય છે. જેમાં 1,61,293 પુરૂષ, 1,49,387 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડરનો સમાવેશ થાય છે. આ બેઠક પર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ છે. જેમાં ચૌધરી સમાજ મોટા ભાગે ભાજપ તરફી જ્યારે ઠાકોર વોટબેંક પર કોંગ્રેસ પક્કડ ધરાવે છે. આ બે મોટા સમુદાય જે બાજુ ઢળે એ બાજુ જીતનું પલ્લુ નમે છે. જોકે અહીં લોકસભા અને વિધાનસભામાં પરિણામ એકબીજાથી વિપરીત હોય છે, એ પણ એક હકીકત છે.

સંભવિત ઉમેદવારો

વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના સંભવિત ત્રણ ઉમેદવારોના નામની ચર્ચા જોરમાં છે. જે ત્રણ નામોમાં પ્રથમ નામ કે.પી.ગઢવી, બીજુ નામ ગુલાબસિંહ રાજપૂત અને ત્રીજુ નામ છે ઠાકરશીભાઈ રબારી. આમ તો આ ત્રણેય ઉમેદવારો જુદા-જુદા સમાજના છે, પરંતુ ગેનીબેનની જીત પછી કોંગ્રેસ જાતિગત સમીકરણોને બાજુએ મૂકીને એમની જીતની વેવને ફરી એનકેશ કરવા પર વધુ ભાર આપી શકે છે. ભાજપની વાત કરીએ તો વાવ વિધાનસભા પેટા ચૂંટણી માટે સ્વરૂપજી ઠાકોર, મુકેશ ઠાકોર અને પરબત પટેલના પુત્ર શૈલેષ ચૌધરી ટિકિટિ માટે સૌથી વધુ દાવેદાર ગણવામાં આવે છે. તો બીજી તરફ કરસનજી ઠાકોર, લાલજી પટેલ, રજની પટેલ, ગજેન્દ્રસિંહ રાણા પણ નામની પણ ચર્ચામાં છે. જો કે ટિકિટનો અંતિમ ફેસલો ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં થશે.

હવે જયારે પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ગેનીબેન ઠાકોરે દાવો કર્યો છે કે ફરીવાર તમામ જાતિના મતદારોના કોંગ્રેસને આશીવાર્દ મળશે. કોંગ્રેસ જેને ટિકિટ આપશે એને જીતાડવા અમે લડીશું. તો ભાજપના ડીસાના ધારાસભ્યએ પણ વાવ બેઠક પર કમળ ખીલવાની વાત કરી. હવે જોવુ રહ્યુ કે કોણ બાજી મારે છે.