અમદાવાદઃ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે ગુજરાતના નવા પ્રભારી અને રાજ્ય એકમના પ્રમુખની નિયુક્તિ માટે વિચારવિમર્શ શરૂ કરી દીધો છે. અહીંથી ટોચના કેન્દ્રીય નેતૃત્વથી મળવા દિલ્હી પહોંચ્યા છે. કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ વર્ષ 2022ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની સૌથી ખરાબ હાર પછી રાજીનામું આપ્યું હતું, જેમાં 182માં માત્ર 17 સીટો પર જીત મળી હતી. આ હાર પછી રાજ્ય એકમના અધ્યક્ષ જગદીશ ઠાકોરે પદ છોડવાની રજૂઆત કરી હતી.
પાર્ટીનાં સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યના ટોચના કોંગ્રેસ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે, એમાં અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા, શૈલેશ પરમાર, સિદ્ધાર્થ પટેલ અને દીપક બાબરિયા સામેલ છે. નવા રાજ્યના ટોચના નેતાઓ અને કેન્દ્રીય નેતૃત્વની વચ્ચે દિલ્હીમાં વિચારવિમર્શ જારી છે. રાજ્ય એકમના અધ્યક્ષ માટે ટોચના દાવેદારોમાં દીપક બાબરિયા અને પરેશ ધાનાણી છે. તેમણે કહ્યું હતું કે પાર્ટી પહેલાં રાજ્ય પ્રભારી નિયુક્ત કરશે અને પછી રાજ્ય એકમના અધ્યક્ષની નિમણૂક કરશે.
હવે જો કોંગ્રેસ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન કરશે તો નવ મહિના પછી લોકસભાની ચૂંટણી અધ્યક્ષોની પહેલી પરીક્ષા થશે. રાજ્યમાં પાર્ટીની પાસે લોકસભાની એક પણ સીટ નથી. આવામાં પાર્ટી પાસે મોટો પડકાર એ છે કે એ લોકસભામાં કેવી રીતે ખાતું ખોલશે? ભાજપે 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ક્લીન સ્વિપ કર્યું હતું. નવા અધ્યક્ષ અને પ્રભારીની જાહેરાત પછી કોંગ્રેસ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ કરે એવી અપેક્ષા છે.