વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડીનું જોર ઘટ્યું, 11-13 ફેબ્રુઆરી કમોસમી વરસાદની શક્યતા

અમદાવાદ: ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું જોર ઘટતું નોંધાઈ રહ્યું છે. પવનની દિશા બદલાતા લોકોને કડકડતી ઠંડીમાંથી રાહતનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ આ કમોસમી વરસાદ અને બદલાતા વાતાવરણની નિશ્ચિતા જોવા મળી રહી છે ત્યારે ફરી એક વખત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજથી દેશનું વાતાવરણ પલટાવા જઈ રહ્યું છે. કારણ કે, મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. આજથી બાંગ્લાદેશ પર એક ચક્રવાત સર્જાશે, જેની અસર ભારતના અનેક રાજ્યોને થશે. હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોને કમોસમી વરસાદની ચીમકી આપી છે. સાથે જ ગુજરાતના વાતાવરણમાં પણ મોટો પલટો જોવા મળવાની શક્યતા સેવાય રહી છે.

દેશમાં IMD દ્વારા વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી છે. જેની અસર દેશના વિવિધ રાજ્યોને થશે. આ સાથે ગુજરાતમાં પણ 11-13 તારીખ સુધી કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દેશના ઉત્તરથી ઉત્તર પૂર્વીય ઠંડા પવનો ધીમા પડતા ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો નોંઘાયો ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળી શકે. પરંતુ રાત્રે હજુ પણ ઠંડીમાંથી રાહત નહીં મળે.એવું કહેવાય છે કે મહા મહિનામાં આવતી શિવરાત્રી બાદ ઠંડીનું જોર ઘટશે.

હવામાન વિભાગે રાજ્યના જુદા-જુદા વિસ્તારોને લઈને ઠંડીની આગાહી કરી છે. આ સાથે નલિયામાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં અમદાવાદ સહિતના સ્થાનો પર સરેરાશ 12 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળ્યું. અમદાવાદમાં 13.8 અને ગાંધીનગરમાં 12.4 ડિગ્રી, ડીસામાં 13.5 જયારે પોરબંદરમાં 12.6 ડિગ્રી, કંડલામાં 12.9 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે કેશોદ, વડોદરા અને ભુજ જેવા સ્થાનો પર નલિયાની સરખામણીએ વધુ તાપમાન જોવા મળ્યું.વલ્લભ વિદ્યાનગરમાં 16.4 ડિગ્રી, કેશોદમાં 13.9 ડિગ્રી, રાજકોટમાં 14.7 ડિગ્રી, વડોદરામાં 15.4 ડિગ્રી, મહુવામાં 15.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.6 ડિગ્રી, ભુજમાં 16.8 ડિગ્રી, ભાવનગરમાં 17 ડિગ્રી અને દ્વારકામાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું.