અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે રાજ્યમાં બની રહેલી કોરોનાની ગંભીર સ્થિતિ માટે સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે સરકાર કેટલીક નીતિઓનું પાલન નથી કરતી, એ વાસ્તવિકતા છે. સરકારની કેટલીક નીતિઓથી હાઇકોર્ટ નારાજ છે, એમ ખંડપીઠે કહ્યું હતું. સરકારે હજી કામગીરીમાં ઘણો સુધારો કરવાની જરૂર છે. લોકો એવું માને છે કે સરકાર કશું નથી કરતી. સામે પક્ષે લોકો પણ જવાબદારી વર્તે એ જરૂરી છે. જનતાએ સરકારના નિયમોનું પાલન કરવાની તાતી જરૂરિયાત છે. હાઇકોર્ટ વધુ સુનાવણી ગુરુવારે હાથ ધરશે.
હાઇકોર્ટે સરકારનો ઊધડો લેતાં કહ્યું હતું કે સામાન્ય માણસને ટેસ્ટિંગના રિપોર્ટ ત્રણ-ત્રણ દિવસે મળે છે, જ્યારે VIP લોકોને રિઝલ્ટ જલદી મળી જાય છે સામાન્ય લોકોને એક કેમ જલદી મળતા નથી એવો સવાલ હાઇકોર્ટે કર્યો હતો. હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત કરી હતી કે રાજ્યમાં આજે પ્રતિદિન 1.25 લાખ ટેસ્ટ કરવામા આવે છે ટેસ્ટિંગની ક્ષમતા પણ સરકારે વધારી દીધી છે. જો તમામ સુવિધા ઉપલબ્ધ છે તો રાજ્યમાં એમ્બ્યુલન્સોની લાઇનો કેમ લાગે છે? એમ હાઇકોર્ટે સવાલ કર્યો હતો.
સરકાર ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યામાં કાપ મૂકે, રાજ્યમાં કરફ્યુનો અમલ કડક રીતે કરાવો. કરફ્યુમાં કોઈ પણ દુકાન ખૂલવી ના જોઈએ, રાજ્યમાં અવ્યવસ્થાથી જનતા હેરાન થઈ રહી છે, એમ હાઇકોર્ટે કહ્યું હતું.
સરકારે કહ્યું હતું કે લગ્ન અને અંતિમવિધિ સિવાયના તમામ મેળાવડાઓ પર પ્રતિબંધ મૂકો. લગ્નમાં 50 જણની હાજરી નિયંત્રિત કરો. દિવસ દરમ્યાન ભીડ ના થાય એની તકેદારી લો. કોરોના રોગચાળાની ચેઇન તૂટશે તો જ આપણે કોરોના કાબૂમાં કરી શકીશું.
આ સુનાવણી દરમ્યાન રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ, આરોગ્ય વિભાગના સચિવ ડો. જયંતિ રવિ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે ઓનલાઇન બેસીને સુઓમોટો રિટમાં ભાગ લીધો હતો. હાઈકોર્ટે કોરોનાના કપરા કાળમાં મિડિયાની ભૂમિકાની પ્રશંસા કરી હતી.