બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી, 3નાં મોત, બેદરકારી બહાર આવતાં તપાસના આદેશ

અમદાવાદઃ અમદાવાદમાં સતત બે દિવસથી પડેલા વરસાદના કારણે કેટલાક માર્ગો તુટી ગયા છે, તેમજ અનેક વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. જ્યારે અમદાવાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે.ત્યાં બોપલ વિસ્તારમાં એક પાણીની ટાંકી તૂટી પડી છે. જેના કારણે સોલા સિવિલના ડોક્ટરોના જણાવ્યાં પ્રમાણે 3નાં મોત નીપજ્યાં છે.

મૃતકોમાં રવિ જાટવ, રામહરિ કુશવાહ અને વિક્રમ ભૌમિકનો સમાવેશ થા છે.બોપલ ખાતે પાણીની ટાંકી તૂટી પડતા સર્જાયેલ દુર્ઘટના સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રશિયા ખાતેના પ્રવાસ દરમિયાન દુર્ઘટના સંદર્ભે અમદાવાદના કલેક્ટર સાથે ટેલિફોનિક વાત કરી હતી. દુર્ઘટના અંગે વિગતો મેળવી હતી અને અમદાવાદના કલેક્ટરને તપાસના આદેશ આપ્યા હતા અને ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળે તે માટે સૂચનાઓ આપી હતી

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદશ્રી અમિતભાઇ શાહે બોપલ ખાતે પાણીની ટાંકી તૂટી પડતાં સર્જાયેલ દુર્ઘટના બાબતે અમદાવાદના કલેક્ટર તથા સ્થાનિક પદાધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી દુર્ઘટનાની સંપૂર્ણ જાણકારી મેળવી હતી તથા ઇજાગ્રસ્તોને તાત્કાલિક યોગ્ય સારવાર મળે તેમ જ તેમના પરિવારોને યોગ્ય સહાય મળે તે માટે સૂચનાઓ આપી હતી. ભાજપાના પદાધિકારીઓ અને કાર્યકરોને પણ આ દુઃખની ઘડીએ ઇજાગ્રસ્તોની સાથે રહી તેમને સાંત્વના આપી તમામ પ્રકારની મદદ પહોંચાડવા સૂચના આપી હતી.બોપલની આ ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ટાંકી ધરાશાયી થતાં જ  તેની નીચે બેથી ત્રણ લોકો દબાયા હોવાની આશંકા છે. બોપલમાં જે જગ્યાએ પાણીની ટાંકી ધરાશાયી થઇ છે તે સંસ્કૃતિ ફ્લેટ નજીક આવેલી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે  બોપલમાં ઘણા સમયથી આ પાણીની ટાંકી જર્જરિત હતી., જેનું સમારકામ કે માવજત ના થતા આજે એકાએક પાણીની ટાંકી ધારાશાયી થતા વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી.આ ટાંકી 1997માં બની હતી. આ ટાંકીની જમીન ધસી જવાના કારણે ટાંકી પડી ગઈ હતી. ટાંકી પડવાથી તેના કાટમાળ નીચે કુલ 4 લોકો દટાયા હતા. આ 4 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. દટાયેલા લોકોને સોલા સીવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ત્યારે 2 વ્યક્તિનું મોત થયું હતું અને 1 વ્યક્તિ સીરિયસ હતી. આ ઘટના સંદર્ભે કલેક્ટર વિક્રાંત પાડેએ જણાવ્યું હતું કે પાણીની ટાંકી ઊતારી લેવાની રજૂઆતો નાગરિકો તરફથી કરવામાં આવી હતી તે સંદર્ભે નિષ્કાળજી રાખનાર લોકો સામે યોગ્ય તપાસ બાદ પગલાં લેવામાં આવશે.

પ્રજ્ઞેશ વ્યાસ