નેધરલેન્ડ્સના એમ્સ્ટર્ડેમમાં બાઈકીંગ ક્વીન્સની બાઈક ચોરાઈ

સુરત – સુરત શહેરની વતની, બાઈકીંગ ક્વીન્સની ૨૫-દેશોની મોટરબાઈક સફરમાં અનેક મુશ્કેલી આવી રહી છે. મોસ્કોમાં મહત્ત્વની સભ્ય, જીનલ શાહના પાસપોર્ટ સહિતનાં દસ્તાવેજો ચોરાઈ ગયા અને જીનલ શાહને સુરત પરત ફરવાની ફરજ પડી છે. આગળ વધી રહેલી અન્ય બે બાઈકીંગ ક્વીન્સની યાત્રામાં પણ બીજી ગંભીર મુશ્કેલી આવી છે.

નેધરલેન્ડ્સના એમ્સ્ટર્ડેમ શહેરમાં રાત્રી રોકાણ દરમ્યાન હોટેલના પાર્કિંગ એરિયામાંથી ડો. સારીકા મહેતા અને રૂતાલી પટેલ, બંનેની બાઈક ચોરી થઈ ગઈ હતી.

એમ્સ્ટર્ડેમની પોલીસમાં ફરિયાદ નોંધાવીને ડો. સારીકાએ જણાવ્યું હતું કે અમે સવારે જાગીને જોયું તો અમારી બાઈક એની જગ્યાએ નહોતી. અમે તુરંત હોટેલમાં અને પછી પોલીસને જાણ કરી છે. સાથે જ અમે ભારતીય દૂતાવાસને પણ આ અંગે જાણ કરી છે. પોલીસે કાર્યવાહી શરૂ કરી છે પણ એને કેટલો સમય લાગશે એની ખબર નથી. અહીં બીજા બાઈકર્સ સાથે સંપર્ક કરીને અમે એવો નિર્ણય કર્યો છે કે અમે અમારી યાત્રા ચાલુ રાખીશું. ૧૨ ઓગસ્ટ, રવિવારે પેરીસ પહોંચીને ત્યાંથી બીજી બાઈક ભાડે લઈને અમે આગળની યાત્રા ચાલુ રાખીશું.

ઉલ્લેખનીય છે કે પૂર્વ આયોજન મુજબ બાઈકીંગ ક્વીન્સ ૧૫ ઓગસ્ટની ઉજવણી ભારતીય સમાજ અને સંસ્થાઓ સાથે સ્પેનનાં બાર્સેલોનામાં ઉજવવાના છે. યાત્રા ૨૫મી ઓગસ્ટે લંડનમાં સમાપ્ત થશે.

આ અનોખા સાહસ સાથે ‘ચિત્રલેખા’ મેગેઝિન મિડિયા પાર્ટનર તરીકે જોડાયું છે એટલે આ અનોખી સફરનાં પ્રત્યેક તબક્કાની લેટેસ્ટ માહિતી પ્રિન્ટ તેમજ ડિજિટલ ‘ચિત્રલેખા’ આપતું રહેશે.