ગુજરાતમાં એલર્ટ બાદ સુરક્ષા સઘન કરાઈ, દરિયાઈ વિસ્તારોમાં આતંકી હુમલાના ઇનપુટ

અમદાવાદઃ જમ્મુકાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મોદી સરકારના ઐતિહાસિક નિર્ણય બાદ આગામી 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખતાં, દેશભરના રાજ્યોને એલર્ટ કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઈન્ટેલિજન્સ બ્યૂરોને ઈનપુટ મળ્યાં છે કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલો થાય તેવી શક્યતા છે. ત્યારે ઈનપુટ્સના આધારે ઈન્ટેલીજન્સ બ્યુરોએ ગુજરાત સરકારને એક રિપોર્ટ સોંપ્યો છે. આતંકી હુમલાની આશંકાને લઈને દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

IB  દ્વારા ગુજરાતના મહત્વના સ્થળો પર આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. આગામી તા.15મી ઓગસ્ટ તથા પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સોમનાથ મંદિર, અંબાજી મંદિર સહિતના યાત્રાધામ અને બૉર્ડર તથા દરિયાઇ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં પ્રવેશના તમામ માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, તેમજ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

ગુજરાતમાં પણ કોઇપણ પ્રકારની ભાંગફોડ પ્રવૃત્તિ બને તે તેને ધ્યાનમાં રાખીને પોલીસ સતર્ક બની ગઇ છે. અને જાહેર સ્થળો પર સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. બીજીતરફ કચ્છ ભુજ બોર્ડર પર પણ ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે કોસ્ટ ગાર્ડને પણ ઍલર્ટ રહેવાના આદેશો આપીને દરિયાઇ પણ વધારી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારે કાશ્મીરમાંથી 70 વર્ષ જૂની 370ની કલમ હટાવી હોવાથી આતંકી હુમલાની દહેશતના પગલે ભારત સરકારે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોને એલર્ટના આદેશો આપ્યા છે. જેથી ગૃહ વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે. જે પવિત્ર યાત્રાધામ, એરપોર્ટ, રેલવે, એસટી બસ સ્ટોપ સહિતના જાહેર સ્થળો પર સુરક્ષા વધારીને ઠેર ઠેર નાકાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આતંકી ગતિવિધિઓને લઇને રાજકોટમાં પણ પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. તહેવારોને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પોસી સતર્ક બની છે. આજી ડેમ ચોકડી ખાતે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય શહેરના તમામ ચેકપોસ્ટ પર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

આઈબી દ્વારા અપાયેલા એલર્ટના પગલે સુરત પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જાહેર જગ્યાઓ તથા શહેરમાં પ્રવેશતા તમામ રસ્તાના પોઈન્ટ પર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાંઆવ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં હુમલાની દહેશતના પગલે રસ્તાઓ પર બેરીકેડ લગાવીને શંકાસ્પદ લાગતાં વાહનો વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવી છે.

આઈબી દ્વારા અપાયેલા એલર્ટના પગલે વડોદરા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જાહેર જગ્યાઓ તથા શહેરમાં પ્રવેશતા તમામ રસ્તાના પોઈન્ટ પર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન પર પણ મુસાફરોની બેગ તપાસવાની સાથે ટ્રેનોમાં પણ પ્રવાસીઓની તપાસ હાથ ધરવામાં આવી છે.ગુજરાત અને મહારાષ્ટ્રમાં હુમલાની દહેશતના પગલે રસ્તાઓ પર બેરીકેડ લગાવીને શંકાસ્પદ લાગતાં વાહનો વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવી છે.