સુરેન્દ્રનગર: શહેરમાં પીવાના પાણીને લઈ ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. બીજી બાજુ શહેરમાં સરકારના વિકાસ સપ્તાહના કાર્યક્રમ ચાલી રહ્યા છે. તો સ્થાનિકો દ્વારા આ કાર્યક્રમમાં હોબાળો મચાવ્યો હતો. શહેરના ટાઉનહોલ ખાતે પ્રવાસન મંત્રી મૂળુ બેરાના સંબોધન દરમિયાન લોકોએ ભારે હોબાળો મચાવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાનું પાણી અને પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને 14મી ઓક્ટોબરે શહેરના ટાઉનહોલ ખાતે રાજ્ય સરકારના વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોએ દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો યોગ્ય રીતે નીકાલ ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિકાસ સપ્તાહના કાર્યકમમાં આશાવર્કર બહેનો, ITI અને ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થીઓને બોલાવ્યા હોવાનો પણ આક્ષેપ લગાવ્યા હતા. આ પ્રવાસન મંત્રી મૂળુ બેરાના સંબોધન દરમિયાન હોબાળો મચતા સ્થાનિક આગેવાન અમૃત મકવાણાને પોલીસે કાર્યકમમાંથી બહાર કાઢ્યા હતા.