અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસે ઘણા વેપાર-ધંધાની કમર ભાંગી નાખી છે. લગ્નસરાની સીઝન સાથે સંકળાયેલા ધંધા-રોજગારે તો ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આવી જ રીતે ટુરિઝમના વેપારને ગ્રહણ લાગ્યું છે. એ જ રીતે રાજ્યમાં છેલ્લા દોઢ-બે વર્ષથી કોરોના રોગચાળાને લીધે અનેક વોટર પાર્કને તાળાં લાગી ગયાં છે. રાજ્યમાં નાના-મોટા કુલ મળીને 60 વોટર પાર્ક બંધ છે. જેને લીધે આયોજકોને રૂ. 500-600 કરોડનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. દેશમાં ચોમાસું બેસી ગયું એ પછી આ સીઝન પણ નિષ્ફળ ગણાશે.કોરોના કાળમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર સ્વિમિંગ પુલ સહિત વોટર પાર્ક બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. સરકારે બે વર્ષ થયા છતાં વોટરપાર્ક શરૂ કરવા માટે લીલી ઝંડી આપી નથી. ગુજરાત વોટર પાર્ક એસોસિયેશનનાં સૂત્રોએ જણાવ્યું હતુ કે આયોજકોની માઠી દશા બેઠી છે. અનેક વેપારીઓએ તો વોટર પાર્ક વેચી દેવાનું પણ વિચાર્યુ છે. તો બીજી બાજુ, આ ક્ષેત્રે આશરે 5000થી વધુ લોકોએ રોજગારી પણ ગુમાવી છે.
હાલમાં સરકારે દરેક વ્યવસાય ધંધાને છૂટછાટ આપી છે ત્યારે વોટર પાર્કને પણ શરૂ કરવા માટે સંચલકોએ પ્રવાસનપ્રધાન જવાહર ચાવડાને રજૂઆત કરી છે. સરકારની માર્ગદર્શિકાનું પૂરેપૂંરુ પાલન કરવામાં આવશે તેવી અનેક બાબતો સાથે સરકારને વોટર પાર્ક ખોલવા દેવાની એસોસેયેશને વિનંતી પણ કરી છે. હવે સરકારના નિર્ણયની રાહ જોવાય છે.રાજ્યમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં પણ અનેક જાણીતા વોટરપાર્ક આવેલા છે, ત્યારે સરકાર વોટર પાર્કને ખુલ્લા કરવા માટે મંજૂરી આપી શકે છે તેવું પ્રવાસન વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)