રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. જ્યારે સાર્વત્રિક વરસાદ પગલે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં પાણી જન્ય રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે. રાજ્યના મહાનગોરમાં વરસાદના આગમન સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની બૂમ ઊઠી છે. છેલ્લા પખવાડિયા દરમિયાન સુરતની સિવિલ હોસ્પિટલમાં 20% જેટલા કેસમાં વધારો થયો છે. આ અગાઉ 500 કેસ આવતા હતા. જ્યારે વરસાદના આગમન બાદ હાલ લગભગ 700થી વધુ કેસ આવવા લાગ્યા છે.
મળતી માહિતી અનુસાર રોગચાળાની સૌથી વધુ ફરિયાદ શહેરના સ્લમ વિસ્તારોમાંથી ઊઠી રહી છે. છેલ્લા પખવાડિયા દરમિયાન સિવિલ હોસ્પિટલમાં જ્યાં પહેલા લગભગ 500 જેટલા કેસ મેડિસિન વિભાગમાં આવતા હતા ત્યારે હવે આ કેસ 20 ટકા જેટલા વધીને 700થી વધુ આવી રહ્યા છે.સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના દર્દીઓએ મોટી સંખ્યામાં સારવાર લીધી છે. સિવિલની વાત કરીએ અહીં તાવના 45, ગેસ્ટ્રોના 29, ડેન્ગ્યુના 2, મેલેરિયાના 3 અને કોલેરાના એક દર્દીએ સારવાર કરાવી છે. જ્યારે સ્મીમેરમાં તાવના 281, ગેસ્ટ્રોના 115, ડેન્ગ્યુના 9, મેલેરિયાના 28, કોલેરાના 7, કમળાના 3 અને ટાયફોઈડના 18 દર્દીએ સારવાર લીધી છે.
