ગુજરાતઃ છ બેઠકની પેટાચૂંટણીના જંગમાં મતદાન શરૂ

અમદાવાદઃ ગુજરાતમાં આજે વિધાનસભાની કુલ 6 બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે. આજે યોજાઈ રહેલા મતદાનમાં મતદારોએ નિરસતા દાખવી છે. ગુજરાતમાં આજે ખેરાલુ, રાધનપુર, થરાદ, બાયડ, અમરાઈવાડી અને લુણાવાડા બેઠક પર સવારે 8 કલાકથી મતદાન શરુ થયું હતું.

જો કે શરૂઆતના નિરસ મતદાન પછી ધીમે ધીમે મતદાનનું પ્રમાણ વધતું ગયું હતું.

રાધનપુર બેઠક પર બપોરે 1 સુધીમાં 33.86 % વોટિંગ, તો ખેરાલુમાં 1 વાગ્યા સુધી 19.83 ટકા મતદાન થયું. થરાદ – 34.93%, રાધનપુર – 33.86%, મેહસાણા – 19.83%, અમરાઈવાડી – 19.00%, બાયડ – 31.85% અને લુણાવાડા – 26.63% જેટલું મતદાન થયું છે.

અરવલ્લીના માલપુરના પટેલીયાના મુવાડા ગામના લોકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. રોડ, રસ્તા, પાણીની પ્રાથમિક સુવિધાઓના અભાવે ગામ લોકોમાં રોષ દેખાયો હતો, જેથી વિકાસના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવતા ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ત્યારે અધિકારીઓ અને નેતાઓ દ્વારા ગ્રામજનોને સમજાવવા પ્રયાસ કરાયા હતા.

ખેરાલુમાં સામોજા ગામે 205 નંબરના બૂથમાં વિવિપેટ મશીન ખોટવાયું, જેથી ચૂંટણી અધિકારી દ્વારા તાત્કાલિક પગલા લઈને વિવિપેટ મશીન બદલવામાં આવ્યું અને ફરીથી મતદાન શરુ થયું હતું.