3 ટેલિકોમ કંપનીઓએ ગુજરાતમાં મે માસમાં 2.87 લાખ ગ્રાહકો ગુમાવ્યાં

અમદાવાદઃ કેટલાક ટેલિકોમ ઓપરેટરોએ ગુજરાત સર્કલમાં મે 2019માં તેમના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જારી રાખ્યો હતો. વોડાફોન આઇડિયાએ 1.89 લાખ ગ્રાહકો ગુમાવ્યાં હતાં. જ્યારે ટાટા ટેલીએ 71,139 અને ભારતી એરટેલે 26,432 ગ્રાહકો આ મહિનામાં ગુમાવ્યાં હતાં. આ ત્રણેય ટેલિકોમ ઓપરેટરોએ સંયુક્ત રીતે મે 2019માં કુલ 2.87 લાખથી વધારે ગ્રાહકો એપ્રિલની તુલનાએ ગુમાવ્યાં હતાં.

ટેલિકોમ રેગ્યુલેટરી એન્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ શુક્રવારે જારી કરેલી યાદી મુજબ મે 2019ના સબસ્ક્રિપ્શન રિપોર્ટ દર્શાવે છે કે ગુજરાત સર્કલમાં કુલ મોબાઇલ નંબરની સંખ્યા ફક્ત ત્રણ લાખ એટલે કે 0.42 ટકા વધી છે. તેનું કારણ રિલાયન્સ જિઓ અને બીએસએનએલ છે, જેમણે ગ્રાહકોની સંખ્યામાં સતત વૃદ્ધિ જારી રાખી છે.

જિઓએ 5.58 લાખ ગ્રાહકો ઉમેર્યા હતા, જ્યારે બીએસએનએલે 20,000થી વધારે ગ્રાહકો મે મહિનામાં ઉમેર્યા હતા. આ સાથે રાજ્યમાં મે 2019ના અંતે કુલ મોબાઇલ સબસ્ક્રાઇબરોની સંખ્યા 6.89 કરોડ હતી, જે એપ્રિલ 2019ના 6.86 કરોડની તુલનામાં વધારો દર્શાવે છે. વર્તમાન વર્ષના સળંગ બે મહિના માર્ચ અને એપ્રિલમાં ટેલિકોમ ઉદ્યોગે ગુજરાતમાં ઘટાડો નોંધાવ્યો હતો. ફેબ્રુઆરી 2019ના અંતે રાજ્યમાં મોબાઇલ ગ્રાહકોની સંખ્યા સૌથી વધુ 7.11 કરોડે પહોંચી ગઈ હતી.

ગયા બે મહિનામાં રાજ્યએ ગ્રાહકોની સંખ્યામાં કુલ 24 લાખનો ઘટાડો નોંધાવ્યો હતો. તે સારી બાબત છે કે આ ઘટાડો અટક્યો છે અને મે 2019માં આ આંકડા વધ્યા છે. રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો સ્થિતિ ખાસ સારી નથી. મે 2019માં મોબાઇલ સેક્ટરમાં ટેલિકોમ ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. મે 2019માં ગ્રાહકોની સંખ્યા 4,38,655 વધી 116.18 કરોડ થઈ હતી. જિઓએ 81.80 લાખ ગ્રાહકો ઉમેર્યા હતાં અને બીએસએનએલે 2,125નો ઉમેરો કર્યો હતો. જ્યારે વોડાફોન આઇડિયા, ભારતી એરટેલ અને ટાટા ટેલીએ 56.97 લાખ, 15.08 લાખ અને 14.26 લાખ ગ્રાહકો ગુમાવ્યાં હતાં.

ટેલિકોમ સેક્ટરમાં નવી પ્રવેશેલી રિલાયન્સ જિઓ મેના અંતે ભારતીય એરટેલને પાછળ છોડીને 32.29 કરોડ ગ્રાહકો સાથે બીજા નંબરની સૌથી મોટી મોબાઇલ ઓપરેટર બની હતી. ટ્રાઇના અહેવાલ મુજબ વોડાફોન-આઇડિયાનો જન્મ ગયા વર્ષે બે જૂની કંપની વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલરના મર્જર વડે થયો હતો. હાલમાં પણ તે 38.75 કરોડ ગ્રાહકો સાથે ટોચની ટેલિકોમ કંપની છે.