કાંકરીયા રાઈડકાંડ ગૃહમાં ગાજ્યો, સરકારે કરી નિયમો ઘડવા સમિતિની જાહેરાત

ગાંધીનગર: અમદાવાદના કાંકરીયા ખાતે એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ તૂટી પડવાની ઘટનાનો પડઘો વિધાનસભામાં પણ પડ્યો હતો. જેમાં વિપક્ષના આક્ષેપો વચ્ચે સરકાર વતી કાયદાપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ઇજાગ્રસ્તોને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલમાં સારવાર આપવામાં આવતા એકપણ વધારાની જિંદગી ગુમાવવી પડી નથી.

વિધાનસભાના નિયમોના નિયમ – ૧૧૬ હેઠળ તાકીદની જાહેર અગત્યની બાબત અંગે ગૃહમાં પ્રત્યુત્તર આપતા ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, કાંકરીયા ખાતે એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ તૂટી પડવાની ઘટનામાં બે વ્યક્તિના સ્થળ પર મૃત્યું થયા હતાં. જ્યારે ૨૯ જેટલા ઇજાગ્રસ્તોને મ્યુ. કોર્પોરેશનની ટીમ, પોલીસ, ફાયરબ્રિગ્રેડ અને ૧૦૮ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ત્વરિત સારવાર મળી રહે તે માટે તમામ ઘાયલોને એલ.જી. હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી.

રાઇડમાં કુલ ૩૧ વ્યક્તિઓ બેઠેલી હતી, જે પૈકી બે વ્યક્તિના ઘટનાસ્થળે મૃત્યુ થયાં હતાં. જ્યારે ૨૯ ઇજાગ્રસ્તો પૈકી ગંભીર ઇજા પામેલા 10 વ્યક્તિઓને ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. જે પૈકી અત્યંત ગંભીર એક વ્યક્તિને તબીબોએ તાકીદની સારવાર આપતા જીવ બચાવી શકાયો હતો. હજુ 17 ઇજાગ્રસ્તો હાલમાં સારવાર હેઠળ છે.

ગૃહ રાજ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે જવાબદારો વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરવામાં આવી છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને તે હેતુસર રાજ્યમાં નિયત મંજૂરીથી ચાલતી તમામ રાઇડ્ઝનું પુનઃ પરીક્ષણ અને નિરીક્ષણ કરવા તથા મંજૂરી વગર ચાલતી તમામ રાઇડ્ઝ તાત્કાલિક અસરથી બંધ કરવા અથવા કરાવવા તમામ પોલિસ કમિશ્નર અને જિલ્લા મેજિસ્ટ્રેટને  સૂચના આપવામાં આવી છે.

મૃતકોના વારસોને મુખ્ય મંત્રી રાહત ફંડમાંથી રૂા. ૪ લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમ જ, આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે આપેલ સૂચનાને પગલે અન્ય રાજ્યોમાં એમ્યુઝમેન્ટના સ્થળો અને સાધનો માટે કેવા ધારાધોરણો છે તથા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના માપદંડો તેમજ વિદેશોમાં તેમ જ વિશાળકાય રાઇડ્ઝ માટે કેવા ધારાધોરણો અનુસરવામાં આવે છે તે અંગેનો અભ્યાસ કરી જરૂરી નિયમો બનાવવા માટે સૂચન કરવા માટે ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને સમિતિ બનાવવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ગૃહ રાજ્યપ્રધાને જણાવ્યું હતું. આ સમિતિનો અહેવાલ મળ્યા બાદ એમ્યુઝમેન્ટ પાર્ક અંગેના નવા નિયમો ઘડવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]