રથયાત્રા પૂર્વે નીકળી કલરફૂલ, નયનરમ્ય જળયાત્રા

અમદાવાદઃ જળયાત્રા એ રથયાત્રાનો જ એક ભાગ છે જેમાં જગન્નાથ મંદિરેથી સાબરમતી નદીના કિનારે સોમનાથ ભૂદરના આરા સુધીની આ યાત્રા યોજાય છે. આ જળયાત્રામાં ભક્તોની સાથે હજારોની સંખ્યામાં ભગવાનના મોસાળિયાઓ પણ જોડાય છે. જેઓ ભગવાનને એમના મામાનાં ઘરે લઈ જવા માટે આવે છે.

સાબરમતી નદીના કિનારે આવેલા સોમનાથ ભૂદરના આરે જગન્નાથ મંદિરથી હાથી ધજા પતાકાધારી લોકો અને સંતો મહંતો શોભાયાત્રામાં જોડાય છે. નદી કાંઠે જુદી જુદી પૂજનની વિધિ કરવામાં આવે છે.

જળયાત્રાની વિધિઃ વર્ષોથી થતી જળયાત્રામાં ભૂદર નદીનાં આરે કરવામાં આવતી ગંગા પૂજનની વિધિ બાદ ત્યાંથી 108 કળશમાં ભરીને જળ લાવવામાં આવે છે. એ જળથી અભિષેક કરીને મંદિરમાં બિરાજમાન પ્રતિમાઓની પૂજનવિધિ કરવામાં આવે છે.

આ યાત્રામાં 108 ઘડાનું મહત્ત્વ એ છે કે જેમ એક માળામાં 108 મણકા હોય છે.માન્યતા અનુસાર મોક્ષ અપાવવામાં જેમ મદદરૂપ થાય છે, તેવી જ રીતે આ યાત્રામાં પણ 108 જેટલા નાના મોટા ઘડા રાખવામાં આવે છે.

રથયાત્રા એક એવો અવસર છે કે જ્યારે ભગવાન દર્શન આપવા માટે સ્વયં એમનાં ભક્તો સુધી પધારે છે અને આ જ દિવસની ભક્તોને પણ ખૂબ આતુરતા રહેતી હોય છે.

આ વખતની, 146મી રથયાત્રા પૂર્વે આજે રવિવારની વહેલી સવારે પૂનમના દિવસે હાથી, ઘોડા, વાજિંત્રો, ભજન મંડળીઓ, સાધુ-સંતો સાથે નીકળેલી જળયાત્રા એકદમ ‘કલરફૂલ’ અને નયનરમ્ય હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)