બ્રિટનમાં પ્રોપર્ટી ગ્રાહકો સાથે છેતરપિંડી કરનાર ભારતીય મૂળના શખ્સને જેલની સજા

લંડનઃ પ્રોપર્ટી ખરીદવા માગતા ગ્રાહકો, જેમાં ઘણાં ભારતીય મૂળનાં લોકોનો પણ સમાવેશ થાય છે, એમની સાથે આશરે 16,000 પાઉન્ડની છેતરપિંડી કર્યાનો ગુનો ભારતીય મૂળના એક માણસે કબૂલ કર્યો છે. તેને પગલે અહીંની એક અદાલતે તેને 3 વર્ષની જેલની સજા ફટકારી છે. અપરાધીનું નામ છે જસપાલ સિંહ જુટ્ટલા. તે 64 વર્ષનો છે.

જુટ્ટલાએ આ ગુના 2019ના મે અને 2021ના જાન્યુઆરી વચ્ચેના સમયગાળા દરમિયાન કર્યા હતા. યૂક્સબ્રિજ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કરવામાં આવેલી સુનાવણી દરમિયાન તેણે પોતાના ગુનાની કબૂલાત કરી હતી. મેટ્રોપોલિટન પોલીસના સેન્ટ્રલ સ્પેશિયાલિસ્ટ ક્રાઈમ યુનિટમાં ફાઈનાન્સિયલ ઈન્વેસ્ટિગેટર તરીકે કામગીરી બજાવતાં ડિટેક્ટિવ કોન્સ્ટેબલ અનિતા શર્માએ કોર્ટને કહ્યું કે જુટ્ટલાએ એની પોતાની શીખ કોમનાં લોકોને પણ છેતર્યા છે. છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકોનો અમે આભાર માનીએ છીએ કે તેમણે આગળ આવીને જુટ્ટલા વિરુદ્ધ બોલવાની હિંમત કરી છે.