સુરત – પાટીદાર અનામત આંદોલન સમિતિ (PASS)ના નેતા અલ્પેશ કથિરીયાની 2015ના દેશદ્રોહના એક કેસના સંબંધમાં ધરપકડ કરાયા બાદ સુરત શહેરમાં ગઈ કાલે રાતે હિંસા ફાટી નીકળી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર રીતે ભેગા થવા બદલ અને સરકારી અમલદારને એની ફરજ બજાવતા રોકવા બદલ કથિરીયા સહિત 9 નેતાઓની ધરપકડ કરી હતી. એમાં હાર્દિક પટેલનો પણ સમાવેશ થાય છે.
હાર્દિક તથા અન્ય સાત જણને ગઈ કાલે સાંજે પોલીસે જામીન પર છોડી દીધા હતા, પણ કથિરીયાને 2015ની સાલના કેસ માટે કસ્ટડીમાં જ રાખ્યા હતા.
આની જાણ થતાં સુરતમાં રવિવારે મોડી રાતે પાટીદાર સમાજના વર્ચસ્વવાળા વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને દેખાવો કર્યા હતા. રોષે ભરાયેલા લોકોના ટોળાએ એક BRTS બસને આગ લગાડી હતી. એમણે એક અન્ય બસની બારીઓના કાચ તોડ્યા હતા અને ટાયર બાળ્યા હતા.
વરાછા વિસ્તારમાં પરિસ્થિતિ વધારે તંગ હતી.