વાઇબ્રન્ટ સમીટ જાન્યુઆરીમાં યોજાશેઃ સરકારની તૈયારી શરૂ

ગાંધીનગરઃ વર્ષ 2024ના જાન્યુઆરીના બીજા સપ્તાહમાં વાઇબ્રન્ટ ગુજરાત સમીટ યોજાશે. વાઇબ્રન્ટ સમીટને લઈને રાજ્ય સરકારે તૈયારીઓનો દોર શરૂ કરી દીધો છે. જોકે નવરાત્રીની ઉજવણી બાદ સરકાર વાઇબ્રન્ટ સમીટની ત્યારીઓ પુરજોશમાં શરૂ કરી દેશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. હાલ સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમીટને લઈને દેશનાં મહત્વના મેટ્રો શહેરમાં પ્રચાર કરીને ઉધોગકારોને રાજ્યમાં મૂડીરોકાણ કરવા મામલે પ્રચારપસાર કરવામા આવશે. આ ઉપરાંત વિદેશના કેટલાક દેશોમાં પણ વાઇબ્રન્ટ સમીટ મામલે પ્રચારપસાર કરવામાં આવશે.

આ વખતની વાઇબ્રન્ટ સમિટમાં કેટલા દેશોને આમંત્રણ આપવાનું  છે? આ સિવાય ક્યાં સેક્ટરોમાં વધુ રોકાણ કરવાનું છે? એ મામલે મુદે હાલ બંધબારણે બેઠક કરવામાં આવી રહી છે. હાલ તો રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા વિવિધ કંપનીઓ સાથે MOU કરવામાં આવી રહ્યાં છે.

વડા પ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્‍વેસ્ટમેન્‍ટ બનાવવાના આશયે શરૂ કરેલી વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે. મુખ્ય મંત્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેનાં શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે.

આ સંદર્ભમાં રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે વિવિધ ઉદ્યોગ ગૃહો દ્વારા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રૂ. 3800 કરોડના કુલ મૂડીરોકાણો સાથે 14 જેટલા MoU ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.

આ સાથે એન્‍જિનિયરિગ સેક્ટરમાં કુલ રૂ. ૭૭૫ કરોડનાં મૂડીરોકાણો માટે ત્રણ ઉદ્યોગ ગૃહોએ MoU કર્યા હતા. આ ત્રણેય ઉદ્યોગ ગૃહો દ્વારા સાણંદ GIDC ફેઝ-૨માં ઉદ્યોગો શરૂ કરાશે અને અંદાજે ૭૦૦ જેટલા સંભવિત રોજગાર અવસરો પૂરા પાડવામાં આવશે.

આ MoU અંતર્ગત ટેક્સટાઈલ સેક્ટરમાં એક MoU રૂ. ૨૯૪ કરોડનાં મૂડી રોકાણો માટે કરવામાં આવ્યાં હતો. જે અંતર્ગત ૧૮૦૦ લોકોને અપેક્ષિત રોજગારી મળશે. એટલું જ નહિ, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં થયેલા MoU અનુસાર, બે ઉદ્યોગો રૂ. ૨૯૦ કરોડનું રોકાણ કરશે તથા ૫૦૦ જેટલી સંભવિત રોજગારીની તકોનું આ ઉદ્યોગમાં નિર્માણ થશે.