અમદાવાદ શહેરના રિંગરોડ પર ઓઢવ બ્રિજની નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરાયેલા વાહનોમાં વહેલી સવારે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કુલ 33 ટુ-વ્હીલર અને 2 ગાડીઓ ખાક થઈ ગયાં હતાં, જેમાંથી 22 વાહનો ડિટેઇન કરાયેલાં હતાં, જ્યારે 11 ટુ-વ્હીલર અન્ય લોકો દ્વારા પાર્ક કરાયેલાં હતાં. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફાયર બ્રિગેડને વહેલી સવારે લગભગ સાત વાગ્યે કંટ્રોલ રૂમમાં સંદેશો મળ્યો હતો કે, ઓઢવ પોલીસ સ્ટેશન સામે રિંગરોડ પર બ્રિજની નીચે વાહનોમાં આગ લાગી છે. આ માહિતી મળતાં જ ઓઢવ ફાયર સ્ટેશનની બે ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને ઝડપથી કાબૂમાં લઈ લીધી હતી, જ્યારે ઓઢવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ તાત્કાલિક બહાર દોડી આવ્યો હતો.
આગ લાગવાની ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલમાં આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આગ કેવી રીતે લાગી અને તેની પાછળનું કારણ શું હોઈ શકે તે અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.
