વાયુથી 15મી સુધી ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદ રહેવાની હવામાન વિભાગની આગાહી

ગાંધીનગર-વાયુ વાવાઝોડાના સંભવિત નુકસાન સામે પ્રશાસનની તૈયારીઓનો ધમધમાટ રાતભર રહ્યો હતો. ત્યાં પ્રભાવિત થનાર વિસ્તારોમાં રાત્રિથી ભારે પવન અને વરસાદ થઈ રહ્યો છે. તો મુખ્યપ્રધાન વિજય રુપાણી અને સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મીઓ પરિસ્થિતિ પર નજર રાખી જરુરી પગલાં લેવાના આદેશ આપ્યાં હતાં.રૂપાણીએ બુધવારે રાત્રે ૧૧ વાગે ખુદ વાવાઝોડા સ્ટેટ કંટ્રોલ રૂમની મુલાકાત લઇ આવનારી પરિસ્થિતિનું મોનિટરીંગ કર્યું હતું…તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સતત સંપર્કમાં રહી ત્વરીત નિર્ણય લેવાય તે બાબતે પરામર્શ કર્યો હતો. અલગ અલગ વિસ્તારમાં પ્રધાનોને પણ સાગરકાંઠાના વિસ્તારોમાં મોકલી આપવામાં આવ્યા છે.. કાંઠા વિસ્તારના અને નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાવી સલામત જગ્યાઓએ ખસેડવામાં આવ્યાં છે..દરેક જિલ્લાઓની સ્વૈચ્છિક સંસ્થાઓને ખાસ વિનંતી કરી લાખો ફૂડ પેકેટો તૈયાર કરી દેવામાં આવ્યાં છે…કુદરતના કોપ સામે તમામ સંભવિત બચાવના પગલાં લેવા માટે તંત્ર દ્વારા માઈક્રો પ્લાનિંગ કર્યું હોઇ ગભરાવાની જરુર નથી અને સચેત રહેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. ત્યારે 13મી જૂનના સવારે સાડા સાત કલાકની સ્થિતિની સેટેલાઈટ તસવીર થોડા રાહતના શ્વાસ લેવડાવે તેવી છે. વાયુ વાવાઝોડું પોરબંદર તરફથી કાંઠાના વિસ્તારમાં દરિયા તરફ જ ફંટાયું હોવાથી વાવાઝોટું ટકરાય નહીં તેવી શક્યતા છે પરંતુ પોરબંરથી લઇ દ્વારકા સુધીના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પણ શરુ થયો છે.વાયુ વાવાઝોડુ હાલ આ લખાય છે ત્યારે 20.0°N અને 69.6°E અક્ષાંક્ષ વચ્ચે દક્ષિણપશ્ચિમ તરફ છે.અરબસાગરમાં નોર્થ ઇસ્ટમાં-વેરાવળમાં છે અને ઓમાન તરફ ફટાઈ રહ્યું છે.વેરાવળથી નજીક અને પોરબંદરથી લગભગ 180 કિલોમીટર દૂર સ્થિત છે. જેની અસરરુપે 15 તારીખ સુધી ભારે વરસાદ અને પવન, વીજળી પડવાની સંભાવનાનો ખતરો બનેલો રહેશે તેમ હવામાનવિભાગ દ્વારા જણાવાયું છે.આ સાથે ગીરસોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં 135-145 કિલોમીટરની ઝડપે પવન ફૂકાશે. જે બપોરે 160 કિલોમીટર પ્રતિકલાક થઇ શકે છે.

ગોંડલ અને જેતપુરમાં તંત્ર દ્વારા તકેદારીના ભાગ રૂપે વીજ પૂરવઠો બંધ કરાયો છે અને વરસાદના કારણે મોબાઈલ નેટવર્ક પણ જામ છે. આજે સવારે ૬ વાગ્યાની સ્થિતિએ રાજ્યના 1924 ગામોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરાયો હોવાની જાણકારી આપવામાં આવી છે.

ગુજરાતમાં વાયુ વાવાઝોડાના કારણે 2251 ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ હતી. આજે સવારે 6 વાગ્યાની સ્થિતિએ 1924 ગામોમાં વીજ પુરવઠો પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. જ્યારે 904 વીજ ફીડર ખોટકાયા હતાં, જેમાંથી 697 ફીડર પુનઃશરૂ કરાયા છે.આ ઉપરાંત 566 વીજ થાંભલાઓને અસર થઈ હતી જેમાંથી 230 ને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બાકી રહેલા ગામોનો વીજ પુરવઠો શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, વીજ પુરવઠો ખોરવાયો હોય તેવા ગામોમાં મુખ્યત્વે છોટાઉદેપુર જિલ્લાના 258, દેવભૂમિ દ્વારકાના 129, ગીર સોમનાથના 189, જામનગરના 105, જૂનાગઢના 118, મહેસાણાના 240, પાટણના 317, સાબરકાંઠાના 135, અને સૂરત જિલ્લાના 263 ગામોનો સમાવેશ થાય છે તેમ જીયુવીએનએલ કંટ્રોલરૂમ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

આ સાથે જ સવારથી વિવિધ સંસ્થાઓ દ્વારા સ્થળાંતરિત કરાયેલાં લોકોને સવારના નાસ્તો અને ચાપાણી સહિતની જીવનજરુરી સગવડો પૂરી પાડવાનું શરુ થઇ ગયું છે.