વડોદરા– શહેરના અગ્રણી અમિત ભટનાગર કેસમાં 2654 કરોડ રુપિયાના કૌભાંડમાં ઇડી આયકર અને આઈટીના દરોડાની કાર્યવાહી બાદ વધુ એક કડક પગલું ભરવામાં આવ્યું છે. બહાર આવેલી માહિતી મુજબ, ATS ની ટીમ અને CBI દ્વારા રાજસ્થાનના ઉદયપુરથી સુરેશ ભટનાગર અને તેમના બંને પુત્ર સુમિત ભટનાગર અને અમિત ભટનાગરની ધરપકડ કરવામાં આવી છે.
તેમની ધરપકડ બાદ પૂછપરછ માટે ગાંધીનગર સીબીઆઈ ઓફિસ ખાતે લાવવામાં આવ્યાં હતાં. અમદાવાદમાં સુરેશ ભટનાગરનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સુરેશ ભટનાગરે તેમની ઉપર લાગેલાં આક્ષેપો ફગાવ્યાં હતાં.ઉદયપુરમાં આવેલી પારસમહાલ હોટેલમાંથી ત્રણેયને ઝડપી લેવાયાં હતાં. આ ત્રણેય વિદેશ ભાગવાની પેરવીમાં હોવાનું પણ જાણવા મળ્યું હતું.
વડોદરામાં 2654 કરોડનાં કૌભાંડનો મામલે ATS અને CBIને મળેલી આ મોટી સફળતા માનવામાં આવે છે. રાજ્યની 11 બેંકો સાથે રૂ.2654 કરોડની છેતરપિંડી કરી લાંબા સમયથી ફરાર ત્રણેય પર CBI તરફથી સકંજો કસવામાં આવ્યો હતો. આખરે મંગળવારે મોડી રાત્રે CBI અને ATSની ટીમને તેમની ધરપકડ કરવાની સફળતા મળી છે. હાલના તબક્કે CBI ત્રણેય આરોપીની દિલ્હી લઈ જઈ શકે છે, જ્યાં તેમની સઘન તપાસ હાથ ધરાશે..